રાજકોટ, 26 એપ્રિલ 2026: ST’s Volvo bus hits and kills pedestrian શહેરમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એસટી વોલ્વો બસની અડફેટે રાહદારીનું મોત નિપજ્યું છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા પારેવડી ચોક પાસે ગુજરાત એસ.ટી. વિભાગની વોલ્વો બસના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક રાહદારી વૃદ્ધાને ક્રૂરતાપૂર્વક અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ ચાલક બસ ઊભી રાખવાને બદલે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માતના સીસીટીવી કૂટેજ સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી વોલ્વો બસે તેમને ટક્કર મારી હતી. બસનું આગળનું ટાયર ફરી વળવા છતાં ચાલકે બસ રોકી નહોતી, પરિણામે પાછળનું વ્હીલ પણ વૃદ્ધા પર ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને બસચાલક માનવતા નેવે મૂકીને બસ ભગાવી ગયો હતો. મૃતક વૃદ્ધાની ઓળખ જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા તરીકે થઈ છે. તેઓ પોતાના ઘરેથી મોચીબજારમાં રહેતા તેમના બહેન રોશનબેનના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પારેવડી ચોકમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ગંભીર હાલતમાં તરફડતા વૃદ્ધાને સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા
હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા જાણ કરાતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસે એસ.ટી. બસના ચાલક રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


