
સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારનો ઉપયોગ કરીને છૂટાછેડાને મંજૂરી આપી નોંધ્યું કે ‘લગ્ન તોડવાનો અર્થ જીવનનો અંત નથી’
નવી દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના વિવાદના કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન તૂટવાનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું. યુવક અને યુવતીએ શાંતિથી રહીને પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. દરમિયાન, સુપ્રીમ કોર્ટે છૂટાછેડા આપવા માટે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો અને વિવાદ સંબંધિત 17 કેસોનો નિકાલ કર્યો હતો.
જસ્ટિસ અભય ઓકની આગેવાની હેઠળની બેન્ચે મે 2020 માં થયેલા લગ્નને ખત્મ કર્યાં હતા. પતિ-પત્નીએ એકબીજા સામે કુલ 17 કેસ દાખલ કર્યા હતા, જેમાં ઉત્પીડન સહિતના વિવિધ કેસોનો સમાવેશ થતો હતો. સુપ્રીમ કોર્ટે તમામ 17 કેસોનો અંત લાવ્યો અને બંનેને આગળ વધવાની સલાહ આપી હતી. સામાન્ય રીતે, છૂટાછેડાના કેસોની સુનાવણી ફેમિલી કોર્ટમાં થાય છે. અહીં પતિ-પત્નીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા પડે છે અથવા એકબીજા પરના આરોપો સાબિત કરવા પડે છે. આમાં ઓછામાં ઓછા છ મહિના લાગે છે. “બંને પક્ષો યુવાન છે. તેમણે પોતાના ભવિષ્ય તરફ જોવું જોઈએ. જો લગ્ન નિષ્ફળ ગયા હોય, તો તે બંને માટે જીવનનો અંત નથી. તેમણે આગળ જોવું જોઈએ અને નવું જીવન શરૂ કરવું જોઈએ,” કોર્ટે કહ્યું.
કોર્ટે કહ્યું કે દંપતીને હવે શાંતિથી રહેવા અને જીવનમાં આગળ વધવા વિનંતી છે. કોર્ટે તેને કમનસીબ કેસોમાંનો એક ગણાવ્યો જ્યાં લગ્નના એક વર્ષની અંદર પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ પર સતત ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. લગ્નની વર્ષગાંઠ પહેલા જ પત્નીને સાસરિયાનું ઘર છોડવાની ફરજ પડી હતી. કોર્ટે બંને પક્ષના વકીલોને સલાહ આપી હતી કે આ કેસ લડવા નિરર્થક રહેશે કારણ કે તે ઘણા વર્ષો સુધી લંબાઈ શકે છે. આ પછી, વકીલોએ કોર્ટને ભારતીય બંધારણની કલમ ૧૪૨ હેઠળ છૂટાછેડા આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાથી, 2020 માં લગ્ન થયા પછીથી મહિલા તેના માતાપિતાના ઘરે રહે છે.