અમદાવાદ, 10 એપ્રિલ 2026: The temperature in Gujarat has reached close to 40 degrees રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે ગઈકાલથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે વડોદરા અને રાજકોટમાં તાપમાન 38 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે આગામી સપ્તાહમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે.
ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટાને લીધે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી જતા ગઈકાલથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આગામી 4 દિવસ દરમિયાન ગરમીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આવતી કાલે તા. 11થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાઇ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. જેના કારણે બફારો અનુભવાશે. આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ વધારા બાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે, પરંતુ ગરમીનો પારો ઊંચો રહેવાથી બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચવાની ધારણા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આગામી દિવસો પડકારજનક બની શકે છે. હવામાન વિભાગે 11 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમા ગરમ પવનો ફૂંકાઇ શકે છે અને ભેજવાળા હવામાનની ચેતવણી આપી છે. આ ગાળા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાશે. હાલમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના આકાશમાં ત્રણ મુખ્ય સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. ઉપરાંત, જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 કિમીની ઊંચાઈએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે. સાથે જ, પશ્ચિમી પવનોમાં ઉદ્ભવેલી અન્ય એક ટ્રફ લાઇનને કારણે વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યા છે, જેના પરિણામે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.


