સુરત, 7 ઓક્ટોબર, 2026 : The suspended Surat-Sharjah flight will now resume from October 25th. શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહની ફ્રેબુઆરીમાં બંધ કરાયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આગામી તા. 25 ઓક્ટોબરથી ફરીવાર ઉડાન ભરશે. આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. આ જાહેરાત થતાં શહેરના ઉદ્યોગકારો તેમજ ગલ્ફમાં વસતા દક્ષિણ ગુજરાતમાં લોકોને રાહત થશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસની ‘સુરત–શારજાહ–સુરત’ ફ્લાઇટ વિન્ટર શિડ્યૂલમાં આગામી 25 ઓક્ટોબરથી પુનઃ શરૂ થશે. એરલાઇને જાહેર કરેલા નવા શિડ્યૂલ મુજબ આ ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. અગાઉ શહેરના વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણીને પગલે ફેબ્રુઆરી 2019માં સુરત એરપોર્ટથી સુરત-શારજાહ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ શરૂ થતાં જ સુરતનું એરપોર્ટ વૈશ્વિક નકશા પર ચમક્યું હતું અને સ્થાનિક ડાયમંડ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ માટે મિડલ ઇસ્ટના દરવાજા સીધા ખુલી ગયા હતા. ત્યારબાદ એરલાઇન દ્વારા આ ફ્લાઇટ માર્ચ મહિનામાં બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી, પરંતુ યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે 27 ફેબ્રુઆરીએ સુરત-શારજાહ ફ્લાઇટે પોતાની અંતિમ ઉડાન ભરી હતી. ફ્લાઇટ બંધ કરાતાં સુરતીઓ અને વેપારીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો, કારણ કે લોકોને ફરી મુંબઈ-અમદાવાદના ધક્કા ખાવાની નોબત આવી હતી.
શહેરના સ્થાનિક ઉદ્યોગ મંડળો અને જાગૃત શહેરીજનોએ આ ફ્લાઇટ પુનઃ શરૂ કરાવવા માટે એરલાઇન મેનેજમેન્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ જોરદાર રજૂઆતો કરી હતી. આ રજૂઆતો અને મુસાફરોની સતત માંગણીને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા એક્સપ્રેસે પોતાના વિન્ટર શિડ્યૂલ 2026માં આ રૂટને ફરી સામેલ કર્યો છે અને આગામી 25 ઓક્ટોબરથી સેવાનો વિધિવત પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે.


