અમદાવાદ, 11 જુન, 2026 : Problems due to non-allocation of food grains in the mid-day meal scheme ઉનાળાના વેકેશન બાદ શાળાઓમા શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં સરકારે બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો ન ફાળવાતા સંચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે તે પણ ન ચૂકવાતા વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવું મુશ્કેલ બન્યુ છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા જણાવાયું છે, કે, સરકાર તાત્કાલીક બાકીની ગ્રાન્ટ અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરે તો યોજનાના સંચાલકોએ ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે.
રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી અનાજ, કઠોળ-દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ આ અંગે પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે બંને વિભાગો દ્વારા આ મામલે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અંદાજે 33,000 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલુ છે પરંતુ આ વખતે માલનો જથ્થો અને ગ્રાન્ટમાં જે ઇસ્યુ ઊભો થયો છે તેમાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કઠોળ, તેલ અને વિદ્યાર્થી દીઠ મળતી ગ્રાન્ટ મળી નથી.
પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે બાકી ગ્રાન્ટ ચૂકવવામાં નહીં આવે અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો યોજનાના સંચાલકોને ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે.


