અમરેલી, 20 એપ્રિલ 2026: Tracker attacked while releasing lioness જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને પાંજરામાંથી જંગલમાં મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉનાળાની ઋતુ દરમિયાન સિંહોની સુરક્ષા વધારવા માટે વનવિભાગ દ્વારા કરવામાં આવતી ‘ડી-વોર્નિંગ’ કામગીરી દરમિયાન એક સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો હતો, જેના કારણે ટ્રેકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. વહેલી સવારે આ ઘટના રાજુલા નજીક બની હતી, ટ્રેકર ગંભીર રીતે સિંહણના હુમલામાં ઘાયલ થતા પ્રાથમિક સારવાર બાદ મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી બાદ એક સિંહણને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સિંહણ અચાનક ઉશ્કેરાઈ ગઈ અને ત્યાં હાજર ટ્રેકર્સ તરફ દોડી આવી. આકસ્મિક પરિસ્થિતિમાં ટ્રેકર નકાભાઈ રામ ઉપર સિંહણે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા બાદ તાત્કાલિક વનવિભાગના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને બહાદુરીપૂર્વક કામગીરી કરીને ઈજાગ્રસ્ત ટ્રેકરનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ હુમલો કરનાર સિંહણ ‘લક્ષ્મી’ તરીકે ઓળખાય છે, જે રામપરા, ભેરાઈ અને પીપાવાવ વિસ્તારમાં જાણીતી અને નામાંકિત સિંહણ છે. સ્થાનિક સ્તરે આ સિંહણને લઈને અગાઉથી જ સતર્કતા રાખવામાં આવતી હોવાની માહિતી પણ સામે આવી છે.
મહુવાના હનુમંત હોસ્પિટલના સર્જન ડૉ. જયંતિ હરિયાએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત ટ્રેકરને સવારના સમયે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની નાની સર્જરી કરવામાં આવી છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. જોકે, સિંહના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ હાલમાં તેઓ ભયમુક્ત છે અને સારવાર હેઠળ છે.
આ ઘટનાને પગલે વનવિભાગમાં પણ ચિંતા વ્યાપી છે. ઉનાળાની ઋતુમાં જંગલી પ્રાણીઓ પાણી અને ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આગળ વધતા હોય છે, જેના કારણે આવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહોની સુરક્ષા કામગીરી દરમિયાન જરૂરી સાવચેતીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે, જ્યારે વનવિભાગ દ્વારા આગળથી વધુ કડક સુરક્ષા વ્યવસ્થા અને માર્ગદર્શિકા અમલમાં મૂકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


