1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વસ્ત્રાલ અને નારોલમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત
અમદાવાદમાં વસ્ત્રાલ અને નારોલમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

અમદાવાદમાં વસ્ત્રાલ અને નારોલમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

0
Social Share

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલ અને નારોલમાં જુદા જુદા અકસ્માતના બે બનાવમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રકે એક્સેસ સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અસલાલી-નારોલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. આ બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના નિકોલ રીંગરોડ પાસે રહેતા પાયલબેન ગજ્જર બપોરના સમયે વસ્ત્રાલ રીંગ રોડ પર હેલ્થ વન હોસ્પિટલ સામેના કટ પાસેથી એક્સેસ સ્કૂટર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે પાયલબેનના એકસેસ સ્કૂટરને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. પાયલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતું. આ ઘટનાના પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, અસલાલીથી નારોલ તરફ જતાં દિપસિંહ ઢાબા સામે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. આ બનાવમાં અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, એક 30 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે ઓવરસ્પીડમાં અસલાલી તરફથી આવતા એક ટેન્કરના ચાલકે તેને ટક્કર મારી હતી. જેથી, હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડેલા યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કર ટ્રકના ચાલક ધૃવરાજ યાદવ સામે ગુનો નોધીને ધરપકડ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code