
- ડુંગરપુરના બે શખસો સ્પોર્ટ બાઈકની ચોરી કરતા હતા,
- શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતીમાંથી 1 વર્ષમાં 9 બાઈક ચોરી લીધા,
- સ્ટિયરિંગનું લોક તોડી નાખી વાયરથી કનેક્શન આપી ઉઠાવી જતા હતા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માત્ર સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા રાજસ્થાનના ડૂંગરપુરના બે શખસોને ચોરીના બાઈક સાથે પોલીસે ઝડપી લીધા હતા.બન્ને શખસોએ છેલ્લા 1 વર્ષમાં શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરામાંથી 9 બાઈકની ચોરી થઈ હતી. તેમાંથી 7 સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરી હતી, બન્ને શખસો બાઈકના સ્ટિયરિંગ લોક તોડીને વાયરથી કનેકશન આપીને બાઈકની ચોરી કરતા હતા.
શહેરમાં બાઈકચોરીના વધતા બનાવો સામે ગુના ઉકેલવા પોલીસ સર્કિય બની હતી. દરમિયાન રાજસ્થાનના ડુંગરપુરથી સ્પેશિયલ યામાહા આર – 15 સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરવા અમદાવાદ આવતા બે શખસોની પોલીસે ધરપકડ કરી હતી. બન્ને શખસોએ છેલ્લા 1 વર્ષમાં 7 સ્પોર્ટ્સ બાઈક સહિત કુલ 9 બાઈકની ચોરી કરી હતી. ડુંગરપુર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ વધારે હોવાથી બન્ને શખસો સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરીને રાજસ્થાન લઈ જતા હતા.
પોલીસ 300થી વધારે સીસીટીવીનું એનાલિસિસ કરીને ડુંગરપુર પહોંચી હતી. છેલ્લા 1 વર્ષમાં વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરામાંથી 9 બાઈકની ચોરી થઈ હતી. તેમાંથી 7 સ્પોર્ટ્સ બાઈક હતી. તે તમામ બાઈકના સ્ટિયરિંગ લોક તોડીને વાયરથી કનેકશન આપીને બાઈકની ચોરી કરાઈ હતી. તેમાંથી કેટલીક જગ્યાના સીસીટીવીમાં આરોપીઓની તસવીરો કેદ થઈ હતી. જેનું પોલીસે એનાલિસિસ કરતા ચોરો બાઈક ચોરીને અમદાવાદથી રાજસ્થાન ડુંગરપુર સુધી ગયા હતા. આ માહિતીના આધારે ઝોન – 1 એલસીબીની ટીમ ડુંગરપુર ગઈ હતી અને અમદાવાદમાંથી ચોરી કરેલી 9 બાઈક સાથે મહેન્દ્રકુમાર મીણા અને હાજારામ અહારીને ઝડપી લીધા હતા. બંને પાસેથી 7 સ્પોર્ટ્સ બાઈક સહિત 9 બાઈક કબજે કરાઈ હતી. જ્યારે બાઈક ચોરી કરવામાં તેમની સાથે વિજય ફેટા અને વિકાસ મીણા નામના અન્ય 2 સાગરિત હોવાથી પોલીસે તે બંનેને પકડવા તજવીજ શરૂ કરી હતી.