ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2026 : Water will be released into the Sujalam Sufalam scheme canals in North Gujarat મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-૨૦૨૬ સુધીના સમયગાળા માટે ફાળવવાનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૦૯ જિલ્લાના ૩૦થી વધુ તાલુકાના ૭૦૦થી વધુ ગામોના ૧૩૦૦ થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી અંદાજીત ૩ લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ થશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારીત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયેલ પરંતુ ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેચાતા પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી બાબત સરકારની વિચારણામાં હતી જેનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.
હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે લાગણીસભર રજૂઆત કરી હતી. તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો.
અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીને ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.આ ખાતરીને પગલે મુખ્યમંત્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે. જે અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજે તારીખ ૨૦ ઓગસ્ટથી સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકારના આ સત્વરે લેવાયેલા નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને તેમના પાકને સમયસર પાણી મળતાં મોટું આર્થિક નુકસાન થતું અટકશે.


