સુરત, 20 માર્ચ 2026: Youth dies after heavy Muni hoarding collapses શહેરમાં ગુરૂવારે સાંજે અને રાત્રે માવઠા સાથે વાવાઝોડું ફુંકાતાં રોડ-રસ્તાઓ પરના અનેક હોર્ડિંગ તેમજ કેટલાક મકાનોના છાપરાઓ ધરાશાયી થયા હતા. આ અણધારી આફતમાં શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મ્યુનિ.કોર્પોરેશનનું એક વિશાળ લોખંડનું બોર્ડ એક યુવાન પર પડતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
સુરત શહેરમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી હતી. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી હતી. જેમાં સુરત મ્યુનિનું હોર્ડિંગ્સ પડવાને કારણે યુવકનું મોત નીપજ્યું હતુ. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મીની વાવાઝોડાએ સુરતને બાનમાં લીધું હતું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ભારે પવનને કારણે સુરત મ્યુનિ.કોર્પોરેશનનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. કમનસીબે લોખંડનું ભારેખમ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, મૂળ રાજકોટના 48 વર્ષીય નીતિન જયંતિભાઇ વાજા સુરતના કારગિલ ચોક ખાતે આવેલી ત્રિવેણી સંગમ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. નીતિનભાઈ પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા પાસે ઘુઘરા વેચતા હતા. આજે સાંજના સમયે નીતિનભાઈ ટેબલ નાખીને ઘુઘરા વેચી રહ્યાં હતાં, ત્યારે ફુકાયેલા મીની વાવાઝોડામાં મ્યુનિનું ભારેખમ લોખંડનું બોર્ડ તેમના પર તૂટી પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. શહેરના નાનપુરા વિસ્તારમાં એક વિશાળ ઝાડ કાર પર પડ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પીપલોદની શારદાયતન સ્કૂલ પાસે પણ ઝાડ પડ્યું હતું. આ ઉપરાંત, ઉમરા ગામમાં મોટું વૃક્ષ રસ્તા પર પડતા વાહનવ્યવહાર માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ પૂણા લેન્ડમાર્ક પાસે લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. કતારગામ-ડભોલી ચાર રસ્તા પાસે અશોકવાટિકા નજીક એક કોમર્શિયલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી આખો પતરાનો શેડ ઉડીને નીચે પડ્યો હતો. સિંગણપોર વિસ્તારમાં એક તોતિંગ વૃક્ષ શાક માર્કેટમાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ તમામ ઘટનાઓમાં અન્ય કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.


