- સુઈગામ પાસે ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3નાં મોત,
- ખંભાળિયા-દ્વારકા ઈનોવા-ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત
- બન્ને અકસ્માતના બનાવમાં પોલીસે ગુનોં નોંધા તપાસ હાથ ધરી
અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વઝધતા જાય છે. જેમાં વર્ષ 2025ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યમાં જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ બનાસકાંઠાના સુઈગામ નજીક ભારત માલા હાઈવે ટેન્કર અને લકઝરી બસ વચ્ચે સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ઈનોવાકાર અને ટ્રેકટર વચ્ચે સર્જાતા બેના મોત નિપજ્યા હતા.
નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્યમાં ગંભીર અકસ્માતની બે બનાવો બન્યા હતા. જેમાં પાંચ પ્રવાસીના મોત થયા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ બનાસકાંઠાના સુઇગામ નજીક ભારત માલા હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ઇનોવાકાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે પ્રવાસીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરી બસને બનાસકાંઠાના જિલ્લાના સુઇગામ તાલુકાના સોનેથ ગામ નજીક રોંગ સાઇડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા ત્રણ પ્રવાસીના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. મધરાતે ધડાકો સંભળાતા સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ ઘાયલોને સારવાર અર્થે 108 મારફતે ભાભર અને થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. જ્યારે મૃતકોને પી.એમ અર્થે સુઇગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના પગલે હાઇવે પર ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. અને માતમનો માહોલ સજાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લક્ઝરી અને ટેન્કરને અલગ કરવા માટે ત્રણ ક્રેઇનની મદદ લેવી પડી હતી. હાલ પોલીસે મૃતકોની ઓળખ કરવાની અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામખંભાળિયા-દ્વારકા હાઈવે પર ઈનોવાકાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. જેમાં રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવાકાર ખંભાળિયાથી દ્વારકા તરફ જતી હતી ત્યારે ભાટીયા ગામ નજીક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા 54 વર્ષીય રાધારાણીબેન તેમજ તેમની 28 વર્ષની પુત્રી દિવ્યાબેનના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે પ્રવાસીઓને ઇજાઓ પહોંચતાં 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક માતા-પુત્રીના મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.