1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

0
Social Share

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકારે વહિવટ સંભાળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ભોગ બનેલા વિદ્યાર્થીના પિતાએ ત્રણ વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં સ્કૂલમાં ખાનગી કપડાંમાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. આ મામલે શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિન્સિપાલ અને શાળાના વહિવટદારને નોટિસ ફટકારીને તેમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા તે અંગે ખૂલાશો કરવા જવાબ માગ્યો છે.

 શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે છતાં આ પ્રકારની ઘટના બની છે. સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ આજ સવાર સુધી જાણ કરવામાં આવી નહોતી.આ બનાવની જાણ થતાં જિલ્લા શિક્ષણાધિકારી  કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી. અને વિદ્યાર્થીઓને બોલાવીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી  રોહિત ચૌધરીએ બનાવને લઈને સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિનને નોટિસ ફટકારી છે. આ બનાવ બનતાં તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ના કરવા એ અંગેનો નોટિસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  સેવન્થ ડે સ્કૂલ છૂટ્યા બાદ બધા વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળે એ માટે ધોરણ 7માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જે મોનિટર હતો તે નિર્દેશ આપી રહ્યો હતો. એેના બાદ ત્રણ વિદ્યાર્થી એક લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈનમાં ચાલવા અથવા સાઈડમાં ઊભા રહી જવાનું કહેતાં ત્રણેય તેની સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવવા લાગ્યા હતા.ત્યાર બાદ સ્કૂલમાંથી બહાર નીકળતી વેળાએ સાઇકલ પાર્કિગની બાજુના એરિયામાં ત્રણેય વિદ્યાર્થીએ મોનિટરને કહ્યું કે કાલે તને જોઈ લઈશું, એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મોનિટર ઘરે જતો રહ્યો. બીજા દિવસે સ્કૂલે આશરે 11 વાગ્યે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરુમ તરફ નીકળ્યો ત્યારે ત્રણેય તેની પાછળ ગયા હતા. ત્યાં જ કોલર પકડીને મોનિટરને ધમકાવ્યો હતો કે તે અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા? આ દરમિયાન ત્રણ પૈકી એક વિદ્યાર્થીએ તેના હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ધમકી આપી હતી કે હવે પછી આવુ કર્યું તો તને જાનથી મારી નાખીશું એમ કહીને મારામારી કરી હતી.(File photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code