UCCના ડ્રાફ્ટમાં દરેક નાગરિકને સમાન ન્યાય મળે તેનું ધ્યાન રખાશેઃ જસ્ટિસ રંજના દેસાઈ
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે.
આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલા કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે તમામ સમુદાયોના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અગાઉ મેળવવામાં આવેલા નાગરિકોના સૂચનો અને વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવેલા અંતિમ તારણો અંગે સમિતિના સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત IAS અધિકારી સી. એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર શ્રીમતી ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા.


