1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ

0
Social Share

અમદાવાદ, 25 માર્ચ 2026: Private teachers protest against election work ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. અને ચૂંટણીની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપવાની હીલચાલ ચાલી રહી છે. ત્યારે ખાનગી સ્કૂલના શિક્ષકો દ્વારા વિરોધ ઊભો થયો છે. સ્વનિર્ભર શાળાના સંચાલકોએ પણ શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવાની માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળે રાજ્ય ચૂંટણી કમિશનરને પણ રજૂઆત કરી છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચૂંટણીની કોઈપણ પ્રકારની કામગીરી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે પરંતુ આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપવાની હીલચાલ ચાલી રહી છે, જેની જાણ થતાં ખાનગી શાળાઓના શિક્ષકોમાં આ મામલે વિરોધ થયો છે. ચૂંટણી જાહેર થાય તે અગાઉ સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ખાનગી શાળાઓ પાસે શિક્ષકોની વિગત પણ માંગવામાં આવી છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખી રજૂઆત કરી છે.

 રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆતમાં ખાનગી શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી ન સોંપવા માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળે 2017માં નામદાર હાઈકોર્ટ દ્વારા કરેલા જજમેન્ટના આધારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવા માંગ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં નામદાર જજ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ અને ખાનગી સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવામાં આવે નહીં. જેને ધ્યાનમાં રાખીને 2017માં ચૂંટણી કમિશનર દ્વારા પણ તમામ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી કે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવી નહીં. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ બીજી તરફ મ્યુનિ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં આવતી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની વિગતો માંગવામાં આવી છે. જેને પગલે રાજ્ય શાળા સંચાલક મહામંડળ તંત્ર સામે મેદાને પડ્યું છે. ખાનગી શાળાઓના શિક્ષકો સરકારી નોકર ન હોવાથી તેમના ચૂંટણી કામગીરીના ઓર્ડર ન કરવા માંગ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code