અમરેલી, 8 મે 2026: Harassment by driving a vehicle after a lion જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. રાતના સમયે સિંહ લટાર મારવા નિકળતા હોય છે. અને જિલ્લાના રોડ-રસ્તાઓ પર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે કેટલાક લોકો સિંહને પજવણી કરતો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કપતા હોય છે. તાજેતરમાં રાતના સમયે સિંહની પાછળ વાહન દોડાવીને તેની પજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ સિંહ પજવણીનો એક અત્યંત શરમજનક વીડિયો વાઈરલ થયો છે, જેમાં કેટલાક શખસો સિંહ પાછળ બેફામ રીતે કાર દોડાવી રહ્યા છે. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે રેવન્યુ વિસ્તારના માર્ગ પર એક સિંહ જઈ રહ્યો છે. આ દરમિયાન સિંહની પાછળ એક કારમાં સવાર શખસો હેડલાઇટના પ્રકાશે તેની પાછળ ક્રૂરતાપૂર્વક ગાડી દોડાવે છે. ડરેલો સિંહ જીવ બચાવવા રસ્તા પર દોડતો જોવા મળે છે. સિંહની આ હાલત જોઈને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, ગીરના રાજાની હાલત અત્યારે શ્વાન કરતાં પણ બદતર બની ગઈ હોય તેવું આ વીડિયો પરથી જણાય છે.
પ્રાથમિક અનુમાન મુજબ આ વીડિયો અમરેલી જિલ્લાના કોઈ ગ્રામ્ય (રેવન્યુ) વિસ્તારનો છે. વીડિયોમાં દેખાય છે કે, સિંહને પજવવા માટે તેની અત્યંત નજીક કાર લઈ જઈ તેને ભગાડવામાં આવ્યો હતો. આ અંગે ધારી ગીર પૂર્વના DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) દ્વારા આ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.
ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, જે વીડિયો સોશિયલ મીડિયામા વાઈરલ થયો છે તે ક્યા વિસ્તારનો છે તે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ, આ પ્રકારના વીડિયો કોણે ઉતાર્યો અને કોણે વાઈરલ કર્યો તે માટે સાયબર સેલથી જાણી શકાય એમ છે. આના માટે વનવિભાગને સાયબર સેલની ટ્રેનિંગ આપવાની જરૂર છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટમાં અપલોડ કરેલા હોય છે, જેથી હવે વનવિભાગમાં પણ સાયબરસેલની મદદની જરૂર છે. વનવિભાગે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપ્યા છે. જુનાગઢના CF રામ રતન નાલા દ્વારા તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. જે નીચે મુજબ છે.વન વિભાગ દ્વારા એક એસીએફ અને ત્રણ આરએફઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


