1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં ચંદ્રપ્રભાનગરમાં પાણી ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર ટેન્કર લઈને પહોંચ્યા
વડોદરામાં ચંદ્રપ્રભાનગરમાં પાણી ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર  ટેન્કર લઈને પહોંચ્યા

વડોદરામાં ચંદ્રપ્રભાનગરમાં પાણી ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર ટેન્કર લઈને પહોંચ્યા

0
Social Share

વડોદરા, 7 જુન, 2026 : Water problem in Chandraprabhanagar શહેરમાં આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં દુષિત પાણી તો કેટલાક વિસ્તારમાં પૂરતું પાણી નહિ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પૂરતા ફોર્સ સાથે પાણી મળતું નથી. ત્યારે શહેરના ચંદ્રપ્રભાનગરમાં પાણી ન મળતા શહેરના વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટર જાતે ટ્રેક્ટર ચલાવી ટેન્કર મારફતે લોકોને પાણી પહોંચાડવા ગયા હતા.

શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરું પાડતા આજવા સરોવરની જળસપાટી ચિંતાજનક રીતે ઘટીને 206 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના કારણે સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીની વિક સમસ્યા ઊભી થઈ છે. ચોમાસાના વિધિવત આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. જે વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા વધુ વકરશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આડકતરી રીતે પૂર્વ વિસ્તારમાં રોજિંદા પાણીના વિતરણમાં 10 થી 15 મિનિટનો કાપ ઝીંકી દેવામાં આવ્યો છે. અગાઉ લોકોને જે એક કલાક પાણી મળતું હતું, તેને બદલે હવે માત્ર અડધો કલાક અને તે પણ અત્યંત ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેથી ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કચેરીઓ અને તંત્રની ઉદાસીનતાને કારણે પૂર્વ વિસ્તારના અનેક પરિવારોને નાછૂટકે મોંઘા ભાવના પ્રાઇવેટ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તો ઓછા પ્રેશરની સાથે કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેના લીધે રોગચાળાના ભયથી ગરીબ પરિવારોને પણ પીવા માટે નાણાં ખર્ચીને પાણીના જગ વેચાતા લેવા પડી રહ્યા છે, જે તેમના પર મોટો આર્થિક બોજ સમાન છે. કોર્પોરેશનના ટેન્કરોની માંગમાં તોતિંગ વધારો થયો છે પરંતુ તંત્ર પૂરતા ફેરા કરી શકતું નથી.

શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચંદ્રપ્રભા નગરની વસાહતમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા કોંગ્રેસના વોર્ડ નંબર 14 ના બે સક્રિય કોર્પોરેટરો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે રૂબરૂ દોડી ગયા હતા. ત્યાં તપાસ કરતા પાણી પહોંચાડવાની તંત્ર પાસે કોઈ વ્યવસ્થા ન હતી. આથી જનતાની પીડા જોઈ રહેલા મહિલા કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી ટેન્કર મેળવી લીધું હતું અને પોતે જાતે ટ્રેક્ટરનું સ્ટીયરીંગ સંભાળી, ટ્રેક્ટર ચલાવીને ચંદ્રપ્રભા નગર વસાહત ખાતે પહોંચ્યા હતા અને લાઈનોમાં ઉભેલા લોકોને પાણી પૂરું પાડીને રાહત આપી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code