અમદાવાદ, 30 જુન, 2026 : IT Tribunal to hear appeals of 20,000 trusts collectively ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો સહિત ટ્રસ્ટોને સેક્શન 12A/12AB અને 80G હેઠળ નવેસરથી મંજૂરી મેળવવી ફરજિયાત બની છે. સરકાર દ્વારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, તેનાં ઉદ્દેશ્યો, નાણાકીય પત્રકો અને સહાયક દસ્તાવેજો પર વિગતવાર સ્પષ્ટતા માંગવામાં આવે છે. જ્યારે જવાબો મોડા, અધૂરા અથવા નક્કી કરેલાં ઉદ્દેશ્યો સાથે સુસંગત ન હોય તેવી અરજીઓ સીધી નકારી દેવામાં આવે છે. આ સંસ્થાઓની રી-રજિસ્ટ્રેશન માટેની અરજીઓ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ફગાવી દેવામાં આવતાં અપીલોનો મોટો ભરાવો થયો છે. તેથી હવે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) દ્વારા સેંકડો ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો તેમજ સેક્શન-8 કંપનીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલો પર સામૂહિક સુનાવણી કરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ ફાઇનાન્સ એક્ટ, 2021 માં કરવામાં આવેલાં સુધારા મુજબ, જે ટ્રસ્ટો પાસે પહેલાથી આજીવન રજિસ્ટ્રેશન હતું, તેમણે પણ હવે સેક્શન 12A/12AB અને 80G હેઠળ નવેસરથી મંજૂરી મેળવવી ફરજિયાત બની છે. હવે આ રજિસ્ટ્રેશન ચોક્કસ સમયગાળા માટે જ માન્ય રાખવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે પાંચ વર્ષની વેલિડિટી હોય છે, જ્યારે 5 કરોડ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં ટ્રસ્ટો માટે તે 10 વર્ષ સુધી માન્ય રહે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના કહેવા મુજબ નિયમોનું પાલન ન થવા, દસ્તાવેજોની ખામી અને ઓનલાઈન નોટિસના જવાબો સમયસર ન આપવાને કારણે આ વર્ષે વિભાગ દ્વારા હજારો રિન્યુઅલ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ઘણાં ટ્રસ્ટોએ એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2025 વચ્ચે રિન્યુઅલ માટે અરજી કરી હતી. 2021 ના સુધારા પછી શરૂઆતમાં માત્ર જૂના પ્રમાણપત્રોના આધારે રજિસ્ટ્રેશન રિન્યુ કરી દેવાયાં હતાં, પરંતુ વર્તમાન સાયકલમાં તપાસ ખૂબ કડક બની છે.
સત્તાધિકારીઓ હવે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, તેનાં ઉદ્દેશ્યો, નાણાકીય પત્રકો અને સહાયક દસ્તાવેજો પર વિગતવાર સ્પષ્ટતા માંગી રહ્યાં છે. જ્યારે જવાબો મોડા, અધૂરા અથવા નક્કી કરેલાં ઉદ્દેશ્યો સાથે સુસંગત ન હોય ત્યારે અરજીઓ સીધી નકારી દેવામાં આવે છે. મોટાભાગની અસ્વીકૃતિઓ કોઈ ખાનગી લાભના આક્ષેપોને કારણે નહીં, પરંતુ પ્રક્રિયાગત ભૂલો જેવી કે ડેડલાઈન ચૂકી જવી, પોર્ટલ પરનાં સંદેશા ન વાંચવા અને દસ્તાવેજો યોગ્ય ક્રમમાં ન હોવાને કારણે થઈ છે. ગુજરાતમાં અંદાજે 3.5 લાખ ટ્રસ્ટો છે જેમાંથી આશરે 20,000 ટ્રસ્ટો હાલ રી-રજિસ્ટ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, તેથી આ સુનાવણી પર સૌની નજર રહેશે.


