Homeગુજરાતીગુજરાતપાલનપુરમાં આંગડિયા પેઢી ચોરી કેસમાં શૈતાન ગેન્ગના 3 આરોપી પકડાયા

પાલનપુરમાં આંગડિયા પેઢી ચોરી કેસમાં શૈતાન ગેન્ગના 3 આરોપી પકડાયા

પાલનપુર, 3 જુલાઈ, 2026 : 3 accused of Shaitan gang arrested from Mumbai in Angadiya firm theft case   શહેરના ગુરૂ નાનક ચોકમાં આવેલી છ આંગડિયા પેઢીઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જિલ્લા LCBએ આંતરરાજ્ય ‘શૈતાન ગેંગ’ના ત્રણ આરોપીઓને મુંબઈથી દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, બાઈક અને ચોરીના સાધનો સહિત કુલ રૂ. 3.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, પાલનપુર શહેરમાં ગત તા. 29મી જુનને મધરાતે ગુરૂ નાનક ચોક વિસ્તારમાં આવેલી 6 આંગડિયા પેઢીઓ તેમજ એક દુકાનના તાળા તોડીને તસ્કરો આશરે રૂ. 1.90 લાખની રોકડ લઈને ફરાર થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. LCB અને સ્થાનિક પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા, હોટલ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનના ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજસ્થાનની કુખ્યાત આંતરરાજ્ય ‘શૈતાન ગેંગ’ની સંડોવણી સામે આવી હતી. ચોરી કર્યા બાદ આરોપીઓ મુંબઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે મુંબઈના કામાઠીપુરા વિસ્તારમાંથી  ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરના પાલડી ગામનો શેતાનસિંહ જસવંતસિંહ રાજપૂત, કેલાશનગરનો દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ચિતલવાનાના ખોડી ગામનો ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિતનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 40થી વધુ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી અને વિદેશી દારૂની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે.

પોલીસ તપાસમાં આરોપીઓની ગુના કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) પણ સામે આવી છે. આ ગેંગ દિવસ દરમિયાન રેકી કરતી અને રાત્રે ટાર્ગેટ પર ત્રાટકતી હતી. તેઓ ખાસ કરીને આંગડિયા પેઢીઓ, સોનીની દુકાનો અને ઓફિસોને નિશાન બનાવતા હતા. ચોરી કરવા માટે લોખંડ કાપવાનું કટર અને ડ્રિલ મશીનનો ઉપયોગ કરીને શટર અને તાળા તોડતા હતા. ગુનો કર્યા બાદ તેઓ મોટરસાયકલનો ઉપયોગ કરીને તરત જ 400થી 500 કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં પહોંચી જતા હતા. સતત સ્થળ બદલતા હોવાથી પોલીસ માટે તેમને શોધવા મુશ્કેલ બનતું હતું. જોકે, પાલનપુર LCBએ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચીને મુંબઈથી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂ. 1.90 લાખ રોકડ, એક મોટરસાયકલ, લોખંડ કટર, ડ્રિલ મશીન અને મોબાઇલ મળી કુલ રૂ. 3.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Most Popular