અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026 : Forecast of moderate to heavy rain in Gujarat until the 23rd ગુજરાતમાં સોમવારે 109 તાલુકામાં ઝાપટાંથી લઈને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં વરસાદની પાંચ સિસ્ટમ સક્રિય છે, જેમાં મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનને લીધે તા. 23મી ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 23 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે પવનની ઝડપ 45થી 55 કિમી/કલાક (ઝાટકા સાથે 30 નોટ્સ) સુધી પહોંચવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે પણ આજથી ફરી વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 23 થી 31 ઓગસ્ટ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધુ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ તરફ પાટણ, સમી અને હારીજ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

