ગાંધીનગર, 17 સપ્ટેમ્બર, 2026 : Swachhata Hi Seva Abhiyan રાજ્યભરમાં આજે તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન યોજાશે. “સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત” થીમ પર આધારિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારીને તેને એક વિશાળ જનઆંદોલન બનાવવાનો અને સ્વસ્થ ગ્રામ્ય પર્યાવરણનું નિર્માણ કરવાનો છે. તેમ કમિશનર,ગ્રામ વિકાસ કચેરીની યાદીમાં જણાવાયું છે.
અભિયાનના પ્રારંભે ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાએ જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને જનસમુદાય દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવશે તથા સ્વચ્છતા રેલીઓ યોજાશે. આ એક મહિના દરમિયાન “સ્વચ્છ પાઠશાળા–યુવા જ્ઞાન યાત્રા”, સાર્વજનિક સ્થળો, જળાશયો અને ધાર્મિક સ્થળોની સફાઈ, “જનભાગીદારી– સ્વચ્છ પર્વ, હરિત પર્વ” જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા, સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર, “સ્વચ્છતાથી સમૃદ્ધિ–કચરામાંથી કલા” અને રિસાઇકલ મેળો, સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ, સુરક્ષા સામગ્રીનું વિતરણ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત તા.૧ ઓક્ટોબર,૨૦૨૬ના રોજ “એક દિવસ, એક કલાક, એકસાથે–રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ” નિમિત્તે સમગ્ર રાજ્યમાં સામૂહિક શ્રમદાન યોજાશે. આ ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ “સ્વચ્છ ભારત દિવસ” નિમિત્તે વિશેષ ગ્રામસભા યોજી અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન કરવામાં આવશે. જળ સંરક્ષણ, સૂકા કચરાનો સંગ્રહ, નારી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તેમજ વોકલ ફોર લોકલ જેવી પ્રવૃત્તિઓ સતત શરૂ રહેશે, જેથી સ્વચ્છતાનો આ યજ્ઞ અવિરતપણે આગળ લઈ જઈ શકાય. (File photo)


