Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં શુક્રવારે સવારના ટાણે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદમાં શુક્રવારે સવારના ટાણે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદ, 19 સપ્ટેમ્બર, 2026 : Many areas flooded due to rain શહેરમાં શુક્રવારે સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે બપોરે 12 વાગ્યા બાદ વાદળો વિખરાઈ જતા તડકો નીકળ્યો હતો. આજે સૌથી વધારે 4.40 ઇંચ વરસાદ બાકરોલમાં પડ્યો હતો. જ્યારે નવરંગપુરા, મક્તમપુરા, વાસણા અને સરખેજમાં ચારથી સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ શહેરમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. આમ 100 ટકા વરસાદ થઈ ગયો છે.

શહેરમાં શુક્રવારે સવારે 7 વાગ્યાથી ધમાકેદાર વરસાદ પડ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધી પડેલા વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના લીધે વાહનો પાણીમાં ફસાયા હતા. અને વરસાદને લીધે ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. શહેરમાં સરેરાશ બે-ત્રણ ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતિ જોવા મળતા મ્યુનિ. કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે.

મ્યુનિના કન્ટ્રોલરૂમના સૂત્રોના કહેવા મુજબ  શહેરમાં શુક્રવારે સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. પાણી ભરાવવાના પગલે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

શહેરના વેજલપુર વિસ્તારમાં તો કમરસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  સવારે નોકરીએ જતા લોકોના પણ વાહન બંધ થઈ જવાથી અધવચ્ચે વાહન મૂકીને ચાલીને જવા મજબૂર બન્યા હતા.

આ ઉપરાંત પ્રહલાદનગર, જોધપુર, , મકરબા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા થવા લાગ્યા હતા. જેથી વાહન ચાલકો નોકરીએ જવા માટે પાણીમાંથી વાહન પસાર કરી રહ્યા તો તેમના વાહનો બંધ પડી ગયા હતા. જેથી પાણીમાંથી ધક્કા મારીને વાહન બહાર કાઢી નોકરીએ ચાલતા જવા મજબૂર બન્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular