રાજકોટ, 22 સપ્ટેમ્બર, 2026 : Protest against removal of flower sellers near Ramnathpara crematorium શહેરના રામનાથપરા સ્મશાન નજીક રોડ પર બેસીને વર્ષોથી ફુલોનો વેપાર કરનારા શ્રમજીવીઓ અને ખેડૂતોને મ્યુનિ.દ્વારા હટાવાતા તેના વિરોધમાં ખેડૂતો અને શ્રમજીવીઓએ મ્યુનિની કચેરીમાં એકઠા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે મ્યુનિની કચેરીની બહાર રોડ પર જ પોતાના ફૂલ ઠાલવી દીધા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ફુલોના વેપાર કરનારા શ્રમજીવીએ જણાવ્યું હતું કે, પહેલા અમે શહેરના પારેવડી ચોક પાસે ફુલોનો ધંધો કરતા હતા, જ્યાંથી ખસેડીને રામનાથ સ્મશાન નજીક બેસાડવામાં આવ્યા હતા. હવે અહીંથી પણ તેમને ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને યોગ્ય જગ્યા આપવામાં આવે અથવા તો સવારે 8:30 વાગ્યા સુધીનો જે નિયમિત સમય છે તે મુજબ વેપાર કરવા દેવામાં આવે. બીજા એક ખેડૂતના જણાવ્યા મુજબ આશરે 700 થી 800 જેટલા ખેડૂતો છેલ્લા 15 વર્ષથી સતત રામનાથપરા ખાતે ફૂલ વેચવા માટે આવે છે. તેઓ દરરોજ સવારે 8:30 વાગ્યા સુધી પોતાનો વેપાર કરે છે. પરંતુ આજે સવારે 6:00 વાગ્યે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર મ્યુનિના અધિકારીઓ આવ્યા હતા અને માલ ઉપાડી લેવાની ધમકી આપીને ખેડૂતોને ત્યાંથી હટાવી દીધા હતા. ચોમાસાની સીઝનમાં એક તરફ પૂરતો વરસાદ થયો નથી અને બીજી તરફ સિઝન સમયે વેપાર કરવા નહીં દેવાતા ખેડૂતોની આજીવિકા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને વેપાર માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે.
મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રામનાથપરા સ્મશાન સામેના વિસ્તારમાં ફ્લાવર માર્કેટ બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ફૂલોની લે-વેચ થતી હોવાથી અમારા દ્વારા આ માર્કેટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગંદકી ન થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે અને મારા દ્વારા પણ ત્યાં 5 વખત સફાઈ ડ્રાઈવ હાથ ધરવામાં આવી ચુકી છે. અહીં મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં હાલની તારીખે 50% જેટલું ફ્લાવર માર્કેટ ખાલી રહે છે. લોકો અને વેપારીઓ રોડ પર જ ખરીદ-વેચાણ કરતા હોવાથી માર્કેટ ખાલી રહે છે.


