ગાંધીધામ (કચ્છ) , 24 સપ્ટેમ્બર,2026 : Retired employee digitally arrested, fraud of Rs 42 lakh સાબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે ધમકી આપીને ફ્રોડ કરી રહ્યા છે. સરકાર અને પોલીસ દ્વારા વારંવાર એવી જાહેરાત કરવામાં આવે છે કે, કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી. છતાંપણ ભણેલા-ગણેલા લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં રહેતા અને કંડલા પોર્ટમાં ફાયર વિભાગમાંથી નિવૃત થયેલા કર્મચારી સાથે સાયબર ઠગોએ ‘ડિજિટલ અરેસ્ટ’ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં રહેતા અને કંડલા પોર્ટમાં ફાયર વિભાગમાંથી નિવૃત થયેલા કર્મચારી એવા 65 વર્ષીય ફરિયાદી રામાઆશરે રાજદેવ દુબેને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડિયો કોલ આવ્યો હતો. સાયબર માફિયાઓએ પોતાને મુંબઈ પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને ઇડીના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. અને ધમકી આપતા જણાવ્યું હતું કે, તમે 2 કરોડના મની લોન્ડરિંગ તેમજ PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સાથે સંકળાયેલા ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં શંકાસ્પદ આરોપી છો. સિનિયર સિટિઝનને ડરાવવા માટે ઠગોએ મુંબઈ પોલીસ, સુપ્રીમ કોર્ટ, ઇડી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બોગસ લોગો વાળા બનાવટી લેટરપેડ, એરેસ્ટ વોરંટ અને સીલ મારેલા આદેશો વોટ્સએપ પર મોકલ્યા હતા. ત્યારબાદ સતત વોટ્સએપ કોલ ચાલુ રાખીને એવી ચીમકી આપી હતી કે, આ ગુપ્ત તપાસ વિશે કોઈને જણાવશો તો દેશદ્રોહનો કેસ કરીને પરિવારના સભ્યોની પણ ધરપકડ કરવામાં આવશે. માનસિક ત્રાસ અને ભારે ભય હેઠળ આવી જઈને નિવૃત કર્મચારી એવા સિનિયર સિટિઝને પોતાની પોસ્ટ ઓફિસની 23.75 લાખની ડિપોઝિટ તોડાવી તે રકમ પોતાની SBI બેંકના ખાતામાં જમા કરાવી હતી. ત્યારબાદ સાયબર માફિયાના કહ્યા મુજબ દિલ્હીની ‘બ્રધર ટ્રેડ ઝોન પ્રાઈવેટ લિમિટેડ’ (ઇન્ડસઇન્ડ બેંક) અને વિજયવાડાની ‘લાડકાર્ટ એન્ટરપ્રાઈઝીસ LLP’ (IDFC ફર્સ્ટ બેંક) ના શંકાસ્પદ ખાતાઓમાં આરટીજીએસ મારફતે કુલ રૂપિયા 42 લાખ રકમ ટ્રાન્સફર કરાવી દીધી છે.
આ બનાવ બાદ સિનિયર સિટિઝનને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. હેલ્પલાઈન મારફતે અમુક રકમ પરત મળ્યા બાદ તેમણે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાસ્પદ વોટ્સએપ નંબર અને બેંક ખાતાધારકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


