અમદાવાદ, 24 સપ્ટેમ્બર,2026 : Development works worth Rs. 583 crore, including the Vadaj flyover bridge ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં રૂ.583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ શહેરમાં અંદાજિત રૂ.545 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ આજે તા.24 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:50 કલાકે બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામગીરીનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને આવાસ સંબંધિત લાભ તેમજ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા સહિત પ્રજાપ્રતિનિધિઓ, અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત તા. 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રજાલક્ષી અને જનભાગીદારીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9:30 કલાકે વાડજ ફ્લાયઓવર ઓવરબ્રિજનું લોકાર્પણ વેલકમ હોટલ સામે, આગાખાનની ગલી પાસે, વાડજ ખાતે યોજાશે. ત્યારબાદ,‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ, અમદાવાદ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સવારે 11:00 કલાકે ઘુમા ખાતે આવેલી એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર સ્પર્ધા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો ફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ TP-39 થલતેજ, ફાઈનલ પ્લોટ નં. 59 ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત 1,190 EWS આવાસોમાંથી અંદાજિત રૂ. 22.24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 329 EWS આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 19.74 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 15 નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવશે. ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 3.40 કરોડના ખર્ચે બનાવાયેલા 10 નંગ બોટ વિથ એન્જિનની ખરીદી કરી પ્રજાલક્ષી ઈમરજન્સી કામગીરી માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવશે. AMC હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને અંદાજિત રૂ. 13.98 કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાનું કામ કરવામાં આવશે.
‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન અને નાગરિકલક્ષી સુવિધાઓ સાથે સંકળાયેલી કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસલક્ષી કામગીરીનો સીધો લાભ અમદાવાદ શહેરના નાગરિકોને મળી રહે તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્યરત છે.


