અમદાવાદ, 26 સપ્ટેમ્બર,2026 : Failed robbery attempt at gunpoint at Angadiya firm શહેરના નારોલ વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ સામે આકાર કોમ્પલેક્સમાં આવેલી ‘પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીમાં સાંજના સમયે અંકિત રાજેન્દ્રભાઈ ગજ્જર (ઉ.વ.38) બેઠા હતા ત્યારે બે લૂટારૂ શખસો દેશી તમંચા સાથે ત્રાટકીને રોકડ રકમ આપી દેવાની ધમકી આપી હતી. અંકિતના ટેબલના ખાનામાં રૂપિયા 11 લાખની રોકડ પડી હતી. શરૂઆતમાં અંકિત ગભરાઈ ગયો હતો. પણ ત્યારબાદ એકાએક હિમત કરીને લૂંટારૂ શખસોનો સામનો કર્યો હતો. અને બુમાબુમ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. અને બન્ને લૂંટારૂ શખસોને પકડીને પોલીસ હવાલે કર્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારોલના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા આકાર કોમ્પ્લેક્સમાં ‘પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી આવેલી છે. પેઢીની ઓફિસમાં સાંજના સમયે અંકિત રાજેન્દ્રભાઈ ગજ્જર (ઉ.વ.38) કામ કરી રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. એક શખ્સે કેબિનની બારીમાંથી અને બીજા શખ્સે કેબિનની અંદર આવીને અંકિતભાઈ સામે દેશી કટ્ટો ધરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાં બહાર કાઢવા કહ્યું હતું. જીવના જોખમે પણ અંકિતભાઈએ હિંમત દાખવીને તુરંત જ બંને હુમલાખોરોના હથિયારવાળા હાથ પકડી લીધા હતા. લૂંટારુઓએ પકડ છોડાવવા ઝપાઝપી કરી તેમને માર માર્યો હતો, છતાં અંકિતભાઈએ પકડ છોડી નહોતી અને જોર-જોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમ સાંભળીને બાજુની ઓફિસના કર્મચારીઓ તથા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને બંને આરોપીઓને સ્થળ પર જ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. માલિકની આ જાગરૂકતા અને બહાદુરીને કારણે 11 લાખની લૂંટ નિષ્ફળ રહી હતી.
ઇસનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને બિહારના રાજન શાહ અને અલી મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બે દિવસ પહેલાં રેકી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપી પ્રીતમસિંહની પોલીસે શોધોખોળ શરૂ કરી છે.


