Homeગુજરાતીગુજરાતકામરેજ નજીક એક્સપ્રેસ હાઈવે પર હેરિયર કાર ડમ્પર પાછળ અથડાતા 4ના મોત

કામરેજ નજીક એક્સપ્રેસ હાઈવે પર હેરિયર કાર ડમ્પર પાછળ અથડાતા 4ના મોત

સુરત, 26 સપ્ટેમ્બર,2026 : 4 killed as Harrier car hits dumper on express highway  ભારતમાલા હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કામરેજ નજીક ભારતમાલા હાઈવે પર સર્જાયો હતો. રોડ સાઈડ પર ઊભેલા ડમ્પરની પાછળ પૂરપાટ ઝડપે આવેલી હેરિયર એસયુવી કાર ધડાકાભેર ઘૂંસી જતા 4ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. હેરિયર કારમાં મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જઈ રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતના બનાવ બાદ અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે કામરેજ સી.એચ.સી. ખાતે મોકલીને વધુ  તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  સુરતના કામરેજ નજીક ભારત માલા હાઈવે પર ડમ્પરના ચાલકે ડમ્પરમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થતાં રોડ સાઈડ પર ઊભું રાખ્યું હતું.  દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી હેરિયર કાર રોડ સાઈડ પર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં હેરિયર કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. હેરિયર કારમાં પ્રવાસ કરી રહેલા ચારેય પ્રવાસીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

સુરત રૂરલ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ- અમદાવાદ નેશનલ હાઇવે (NH-4) પર તાપી નદીના બ્રિજ આગળ દિગસ ગામની સીમ વિસ્તારમાં ડમ્પર અને હેરિયર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ડાબી તરફની પાંચમી લેન (ઇમરજન્સી લેન) માં એક ડમ્પર ઊભું હતું. ત્યારે મુંબઈથી શંખેશ્વર જઈ રહેલી એક ટાટા હેરિયર કાર  ઊભેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ટાટા હેરિયર કારમાં કુલ 4 પ્રવાસીઓ સવાર હતા અને ચારેય પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને NH-4 ની પેટ્રોલીંગ વાન તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular