Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં ટેક્સી અને રિક્ષાચાલકોએ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીની સામે દેખાવો કર્યા

ગાંધીનગરમાં ટેક્સી અને રિક્ષાચાલકોએ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીની સામે દેખાવો કર્યા

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર, 2026 :  Taxi and rickshaw drivers protest અમદાવાદ સહિત મહાનગરોમાં ચાલતી ઓલા, ઉબેર અને રેપિડો સહિત ટેક્સી એપ સામે ટેક્સી અને રિક્ષાચાલકોએ બાયો ચઢાવી છે. અને ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ત્યારે સોમવારે ટેક્સી અને રિક્ષાચાલકોએ ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદ સહિત મહાનગરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઇન એપ્લિકેશનનો રાજ્યમાં ટેક્સી અને રિક્ષા ચાલક યુનિયન દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને માત્ર ભારત ટેક્સી એપ પરથી ઓનલાઈન રાઇડ બુક કરાવી રહ્યાં છે, ત્યારે ટેક્સી અને રિક્ષા ચાલકોના વિવિધ પ્રશ્નોને લઈ આજે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરીએ એગ્રિગેટર કંપની (ઓલા, ઉબર અને રેપિડો)ઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ટેક્સી અને રિક્ષાચાલકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા વાહન વ્યવહાર કમિશનર કચેરીની બહાર ચાલકોએ સરકાર અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના પ્રશ્નોનો નક્કર ઉકેલ લાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત આગામી 15 દિવસમાં તેમને ન્યાય નહીં મળે તો સંપૂર્ણપણે કામકાજ બંધ કરી હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ સમગ્ર મામલે ટ્રાન્સપાર્ટ કમિશનર રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, સોમવારે મળેલી બેઠકમાં ટેક્સી અને રિક્ષા યુનિયનોના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળવામાં આવી છે. હવે સરકાર નિર્ણય કરશે.

 ટેક્સી અને રિક્ષા ચાલકોના યુનિયને એવી માગ કરી છે કે, ઓનલાઈન એપ્રિલકેશનમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડા કરતા ઓછું ભાડું મળે છે, જે નિયમ મુજબ ભાડું આપવામાં આવે. સફેદ નંબર પ્લેટ ધરાવતા નોન-ટ્રાન્સપોર્ટ ટુવ્હીલર સામે કાર્યવાહી કરવાની સાથે રિક્ષા અને ટેક્સી ચાલકોના હિતનું રક્ષણ કરવામાં આવે. રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ જણાવ્યું હતું કે, અમારી બસ બે જ રજૂઆત હતી કે આ જે પણ કંપનીઓ છે એ 50% ઓછું ભાડું આપે છે, તે તાત્કાલિક ધોરણે સરકારી રેટ પ્રમાણે ભાડું આપવું જોઈએ,

ટેક્સી ચાલક યુનિયન નેતા જણાવ્યું હતું કે, અગાઉની જેમ જ આજે પોતાના પ્રશ્નો અને રજૂઆતો સરકાર સમક્ષ મૂકી છે. તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી કે ના તો કોઈ ચોક્કસ કાર્યવાહી કરવાનો કે એક્શન લેવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો આગામી 15 દિવસમાં સરકાર દ્વારા તેમને ન્યાય નહીં આપવામાં આવે તો તેઓ સંપૂર્ણપણે કામકાજ હડતાળ પાડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular