Homeગુજરાતીગુજરાતગુજરાત કર્મચારી સંકલન સમિતિએ પડતર પ્રશ્નો નહી ઉકેલાય તો લડતની ચીમકી આપી

ગુજરાત કર્મચારી સંકલન સમિતિએ પડતર પ્રશ્નો નહી ઉકેલાય તો લડતની ચીમકી આપી

ગાંધીનગર, 6 ઓક્ટોબર, 2026 : Threat of strike if pending issues of Gujarat government employees are not resolved ગુજરાત સરકારના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સંબંધિત વિભાગોના સચિવોને પત્ર પાઠવી રજુઆતો કરી છે. સમિતિએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 15 દિવસમાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓને  આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને સબધિત વિભાગોના સચિવોને પત્ર લખીને કર્મચારીઓના 20 જેટલા પ્રશ્નો ઉકેલવાની માગ કરી છે. જેમાં  ફિક્સ પગારની પ્રથા બંધ કરી, હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ તારીખથી લાભ આપવામાં આવે અને જૂની પેન્શન યોજનાનો સત્વરે અમલ કરવામાં આવે. તેમજ કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને સેવા સ્થિરતા અંગે યોગ્ય નીતિ બનાવી નિર્ણય કરવો જોઈએ. કર્મચારીઓના લાંબા સમયથી પડતર બઢતીના પ્રશ્નોનો વિભાગવાર નિકાલ કરી ખાલી પડેલી જગ્યાઓ પર નિયમો અનુસાર બઢતી આપવી જોઈએ. તેમજ વિવિધ કેડરમાં ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઝડપથી હાથ ધરી કર્મચારીઓ ઉપરનો વધારાનો કામનો બોજ ઘટાડવામાં આવે. કર્મચારીઓને મળવાપાત્ર પગાર-ભથ્થાં તથા અન્ય આર્થિક લાભોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે. તથા બિનસચિવાલય કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર કરી ‘સમાન કામ, સમાન વેતન’ના ધોરણે યોગ્ય પગાર આપવામાં આવે.

આ ઉપરાંત વિવિધ વિભાગોમાં કર્મચારીઓ ઉપર વધતા કામના ભારને ધ્યાનમાં લઈ જરૂરી મહેકમ મંજૂર કરી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે. તેમજ પેન્શન તથા નિવૃત્તિ સંબંધિત પ્રશ્નોનું સરળ અને સમયબદ્ધ ધોરણે નિરાકરણ કરવામાં આવે. કર્મચારીઓ માટેની ટ્રેનિંગ સંબંધિત નીતિ અને નિયમોમાં રહેલી મુશ્કેલીઓ દૂર કરી કર્મચારી હિતમાં સરળ નિર્ણય કરવામાં આવે. કર્મચારીઓની 50 વર્ષની વયમર્યાદા બાદની તમામ ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવે. ગાંધીનગરમાં રાહત દરના પ્લોટની જેમ જિલ્લાના કર્મચારીઓને પ્લોટ અથવા હાઉસિંગ બોર્ડના મકાનોમાં અગત્યના ધોરણે રાહત દરે મકાન આપવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ લાંબા સમયથી પડતર ફિક્સ ડ્યૂટી, ગ્રેડ-પે, પગાર ધોરણ, ઉચ્ચતર પગાર ધોરણ, સેવા લાભ સહિતના પ્રશ્નોનો વિગતવાર સમીક્ષા કરીને નિકાલ કરવાની માગ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ એવી પણ માગણી કરી છે કે, રાજ્યના કર્મચારીઓને પગાર પંચ મુજબ 10-20-30 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મૂળ તારીખથી, કોઈપણ પ્રકારની પગાર મર્યાદા વિના આપવામાં આવે. રાજ્ય સરકારમાં ફાયર અને વર્ગ-4 કર્મચારીઓની નિયમિત ભરતી કરવામાં આવે. ખાતાકીય પરીક્ષાઓ મૂળ ખાતા મારફતે લેવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, અન્યથા શરતી પ્રમોશન આપવામાં આવે. તેમજ  વિવિધ વિભાગોમાં કર્મચારીઓની કામ કરવાની પરિસ્થિતિ અને માનવબળની અછતની સમીક્ષા કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પંચાયત, બોર્ડ-નિગમ, મહાનગરપાલિકા અને નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી ગણવામાં આવે અને રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભો આપવામાં આવે. સમિતિએ રજૂઆતમાં જણાવ્યું છે કે કર્મચારીઓ રાજ્ય સરકારના વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ હિસ્સો છે. કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય અને ઝડપી નિરાકરણ થવાથી કર્મચારીઓમાં ઉત્સાહ વધશે અને સરકારી કામગીરીની કાર્યક્ષમતા પણ મજબૂત બનશે. સમિતિએ સરકારને વિનંતી કરી છે કે ઉપરોક્ત પ્રશ્નોને ગંભીરતાથી લઈ આગામી 15 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. અન્યથા ગાંધી વિચાર માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular