Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા યુવક મહોત્સવનો થયો પ્રારંભ, 2370 સ્પર્ધકો ભાગ લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા યુવક મહોત્સવનો થયો પ્રારંભ, 2370 સ્પર્ધકો ભાગ લેશે

રાજકોટ, 10 ઓક્ટોબર, 2026 :  Saurashtra University’s 54th Youth Festival  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય 54મા ‘હીરક સ્પંદન’ યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ મહોત્સવ યુનિના કેમ્પસમાં 8 સ્થળોએ એકસાથે યોજાઈ રહ્યો છે. યુનિ.સંલગ્ન 92 કોલેજોના 2370 કરતા વધુ વિદ્યાર્થીઓ જુદી-જુદી 33 સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. શુક્રવારે યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા વિજેતાઓ માટે પરીક્ષા ફી માફ કરવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 54મા હીરક સ્પંદન યુવક મહોત્સવનો સાંસદ પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. તા. 9મી ઓક્ટોબરથી 11મી ઓક્ટોબર સુધી ત્રિદિવસીય હીરક મહોત્સવની માહિતી આપતા ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ બી. રાભાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન 92 જેટલી કોલેજોમાંથી 2370થી વધુ વિદ્યાર્થીઓએ આ કલાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવાધન શક્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટક, લલિતકળા અને સાહિત્ય ક્ષેત્રની કુલ 33થી વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મહોત્સવની સફળતા માટે છેલ્લા 1 થી 2 મહિનાથી સઘન તૈયારીઓ ચાલતી હતી. સમગ્ર આયોજનને સુચારુ અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે 33 થી વધુ અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં તજજ્ઞો, નિર્ણાયકો, આયોજકો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો પોતાના ક્ષેત્રની જવાબદારી નિભાવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ તમામ 33 સ્પર્ધાઓમાં સ્પર્ધા દીઠ 3-3 મળીને કુલ 99 વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કૃતિઓ અને વિદ્યાર્થીઓને આગામી સમયમાં વેસ્ટ ઝોન અને નેશનલ કક્ષાની આંતર-યુનિવર્સિટી યુવક મહોત્સવ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને તેમના ચાલુ સેમેસ્ટરની પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular