અમદાવાદ, 22 ઓક્ટોબર, 2026 : SMC opened fire on a bootlegger trying to ram a car into the police શહેરના શાહીબાગ વિસ્તારમાં એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર બુટલેગરની કારનો પીછો કરી રહેલા પોલીસના સ્ટેટ માનિટરિંગ સેલના કર્મચારીઓ પર બુટલેગરે કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા એસએમસીની ટીમે બુટલેગરની કાર પર ફાયરિંગ કર્યું હતુ. જો કે ફાયરિંગ થતા જ બુટલેગર ત્યાંથી ભાગી ગયો હતો. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સ્ટેટ માનિટરિંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી કે, અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂ કટીંગ થઈ રહ્યું છે. બુટલેગર અનુપ ઠાકોર ઉર્ફે મેપો રતનસિંહ ઠાકોરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેથી એસએમસીની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસની ટીમને જોઈને બુટલેગર ત્યાંથી ભાગ્યો હતો જેથી એસએમસી પોલીસની ટીમે બુટલેગરની કારનો પીછો કર્યો હતો. બુટલેગર શાહીબાગ ડફનાળા થઈ એરપોર્ટ તરફ ભાગ્યો હતો. ત્યારે એસએમસીની પોલીસ ટીમ પણ બુટલેગરની કારનો પીછો કરી રહી હતી.
દરમિયાન એરપોર્ટ સર્કલથી બુટલેગર કારમાં ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે સરસ્વતી પાર્ક સોસાયટી પાસે એસએમસીએ બુટલેગરની કાર રોકી હતી. આ સમયે એસએમસીની ટીમ પર બુટલેગરે કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. બુટલેગર પર પોલીસ દ્વારા બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે બુટલેગર ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે SMC દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ કરાતા પોલીસે બુટલેગરને પકડવાની તજવીજ હાથ ધરી છે.


