સુરત, 24 ઓક્ટોબર, 2026 : 900 kg of ghee sold in the name of cow ghee proved to be fake in laboratory test શહેરના ઉત્રાણ વિસ્તારમાં સાહસ પ્રિમિયમના નામે શુદ્ધ ગાયના ઘી બનાવતા એકમ પર પોલીસ અને મ્યુનિના ફુડ વિભાગે ગઈ તા. 11મી ઓક્ટોબરના રોજ સંયુક્ત રેડ પાડીને 900 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને તેના નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા હતા. લેબ પરીક્ષણમાં ઘીના નમુના ફેલ થતાં નકલી ઘીના વેચાણનો પડદાફાશ થયો છે. માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા આ ઘીમાં મિલ્ક ફેટની જગ્યાએ વેજિટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી. આ મામલે પોલીસે ત્રણ શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી હતી કે, સુરત મ્યુનિ,કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગને મળેલી બાતમીના આધારે ગત 11 ઓક્ટોબરના રોજ ઉત્રાણ વિસ્તારમાં પોલીસને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ‘સાહસ પ્રીમિયમ કાઉ ઘી’ના નામે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. સ્થળ પરથી અંદાજે 900 કિલો પેકિંગ કરેલું ઘી સહિત મોટી માત્રામાં કાચો માલ, તેલ, વનસ્પતિ ઘી અને ઘી બનાવવા માટે વપરાતી મશીનરી જપ્ત કરવામાં આવી હતી. અને ઘીના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી દેવાયા હતા. અને નકલી ઘી હોવાનો લેબ રિપોર્ટ આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણ શખસોની અટકાયત કરી છે.
પોલીસ પૂછતાછમાં એવી વિગતો મળી છે કે, આરોપીઓ ડાલડા વનસ્પતિ ઘી અને રિફાઇન્ડ સોયાબીન તેલના મિશ્રણમાં ગાયના શુદ્ધ ઘી જેવી સુગંધ લાવવા ખાસ ફ્લેવરનો ઉપયોગ કરતા હતા. આ ફ્લેવર દિલ્હીની શક્તિ ટ્રેડિંગ નામની પેઢી પાસેથી ઓનલાઇન મંગાવવામાં આવતું હતું. માત્ર 40 ગ્રામ ફ્લેવરનો ઉપયોગ કરીને આશરે 1500 કિલો જેટલું નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતુ. ત્યારબાદ મશીનરીની મદદથી તેનું પેકિંગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું.
પોલીસ અને ફુડ વિભાગના દરોડા દરમિયાન રૂ. 1.15 લાખથી વધુની કિંમતના ડાલડા વનસ્પતિ ઘીના 35 બોક્સ, રૂ. 97 હજારથી વધુનું રિફાઇન્ડ સોયાબીન તેલ, રૂ. 4.74 લાખની કિંમતનો 795 કિલો છૂટક ઘીનો જથ્થો, રૂ. 5.40 લાખની કિંમતનો 900 કિલો પેકિંગ કરેલો ઘીનો જથ્થો, 300 પાઉચ તેમજ ઘી બનાવવાનાં સાધનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે સન્ની કલ્પેશ મોદી, કિશન મનોજ મોદી અને કલ્પેશ સુંદરલાલ મોદીની અટકાયત કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ અમરોલી વિસ્તારમાં આવેલી લેક વ્યૂ રેસિડેન્સીમાં રહેતા હોવાનું અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની હોવાનું જાણવા મળ્યું છે.


