Homeગુજરાતીગુજરાતપોલીસની ભેદભાવપૂર્ણ કામગીરીના સામે કોંગ્રસનો ભારે વિરોધ, DGPને આપ્યું આવેદનપત્ર

પોલીસની ભેદભાવપૂર્ણ કામગીરીના સામે કોંગ્રસનો ભારે વિરોધ, DGPને આપ્યું આવેદનપત્ર

અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Congress strongly opposes discriminatory police action ગુજરાતમાં પોલીસ દમન, ખોટા પોલીસ કેસો અને વિપક્ષ કોંગ્રેસ સામે પોલીસની ભેદભાવપૂર્ણ કાર્યવાહીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ  અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી તથા કોંગ્રેસના અગ્રણીઓ શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર,  જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય  દિનેશજી ઠાકોર,  કાંતિ ખરાડી,  ઇમરાન ખેડાવાલા,  અમરતજી ઠાકોર, ઓડિસ્સાના પ્રભારી લાલજી દેસાઈ, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિકુમાર પટેલ, સહિત જિલ્લા પ્રમુખો, કોર્પોરેટરો અને કાર્યકરોએ ડીજીપી કચેરી સામે ભારે વિરોધ પ્રદર્શન બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા ડીજીપીને એવી રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ રીતે કામગીરી કરતું નથી. વિપક્ષના નેતાઓ, કાર્યકરો અને સરકારની નીતિઓનો વિરોધ કરતા નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે. કોંગ્રેસે આવેદનપત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે અસરકારક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. હવાલા રેકેટ, હત્યા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પણ યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષ અને નાગરિક સંગઠનોને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ, ભાજપના નેતાઓને કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને પૂતળાદહનના બનાવોમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓને અટકાયતમાં લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આવા કિસ્સાઓમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની માગણી કરવામાં આવી હતી. પાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બનેલી ઘટનાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular