અમદાવાદ, 30 ઑક્ટોબર 2026 : Std. 10 and 12 students outside Gujarat should not get state quota in MBBS admission ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક અરજદારના કેસમાં ચુકાદો આપ્યો છે કે, ગુજરાત બહારના રાજ્યોમાં ધોરણ 10 અને 12 ઉતિર્ણ કરેલું હોય તો એમબીબીએસ પ્રવેશમાં ગુજરાતમાં સ્ટેટ ક્વોટાનો લાભ મળી શકે નહીં, ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીએ પિતાની બેંક નોકરીની બદલીને કારણે ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કર્યા હોય, તો તેને રાજ્યના ડોમિસાઇલ ક્વોટાનો લાભ નહીં મળે. આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ લેવો પડશે. SC કેટેગરીના એક વિદ્યાર્થીના કેસમાં ડિવિઝન બેંચે સિંગલ જજના ચુકાદાને સમર્થન આપ્યું હતું.
આ કેસની વિગત એવી હતી કે, ખાનગી બેંકમાં ફરજ બજાવતા એસસી (SC) કેટેગરીના એક અધિકારીના પુત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. જોકે, પિતાની બદલી મહારાષ્ટ્રના પુણે ખાતે થતાં તેણે ધોરણ 10 અને 12નું ભણતર ત્યાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે નીટ (NEET) પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા, જે એસસી અનામત કેટેગરીના કટ-ઓફ કરતાં પણ વધુ હતા. વિદ્યાર્થીએ ગુજરાતના સ્ટેટ ક્વોટા હેઠળ MBBSમાં પ્રવેશ માટે અરજી કરી હતી. પરંતુ રાજ્યના પ્રવેશ નિયમો મુજબ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તંત્રના આ નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. સિંગલ જજે અરજી ફગાવી દેતાં આ નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારવામાં આવ્યો હતો.
આ કેસમાં સરકાર પક્ષે નીતિગત નિયમોનો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું કે, માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ડેપ્યુટેશન પર બહાર ગયા હોય, અથવા ONGC કે નેવી જેવા અમુક ચોક્કસ સરકારી સંસ્થાઓના કર્મચારીઓના બાળકોને જ આવી છૂટછાટ મળે છે. અન્ય બેંક કે સંસ્થાઓના બદલીપાત્ર કર્મચારીઓ માટે આ સવલત નથી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ડિવિઝન બેંચે પણ સિંગલ જજના ચુકાદાને બહાલી આપતાં ઠેરવ્યું કે, ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કરનારને વર્તમાન નીતિ મુજબ સ્થાનિક વિદ્યાર્થી ગણી શકાય નહીં. આવા વિદ્યાર્થીઓએ માત્ર ઓલ ઇન્ડિયા ક્વોટા (All India Quota) હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.


