ગાંધીનગર, 21 નવેમ્બર. 2026 : The country’s labor and employment ministers’ think tank begins ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરાંદજે આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ શિબિરમાં સહભાગી થઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી આવી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ટેઈક ઓફ પ્લેટફોર્મ બની છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવીને દેશમાં અનેક સુધારાત્મક પહેલો કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રાલયે 29 કેન્દ્રીય શ્રમ કાનુનોના એકત્રીકરણ દ્વારા કરેલી 4 નવી શ્રમ સંહિતાને શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું કદમ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવાના સામૂહિક મંથન-ચિંતન માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બનશે.
કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટન સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ચિંતન શિબિર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુશાસન માટે આપવામાં આવેલો એક મંત્ર છે. આજની ચિંતન શિબિરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને નાગરિકો એમ ત્રણેય હિતધારકો સાથે મળીને દેશના ૬૦ કરોડ શ્રમિકોના કલ્યાણ માટે કાર્યયોજના ઘડશે. અગાઉ શ્રમિકો અને ઉદ્યોગોને એકબીજાના વિરોધી માનવાની માનસિકતા હતી, પરંતુ વડાપ્રધાનએ આ ધારણા બદલીને બંનેને વિકસિત ભારત રૂપી રથના બે સમાન પૈડાં ગણાવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, હાલ ૧૬થી વધુ રાજ્યોએ પોતાના લેબર કોડના નિયમો નોટિફાય કરી દીધા છે અને ડિસેમ્બર પહેલાં ૨૫થી વધુ રાજ્યો આ પ્રક્રિયા પૂર્ણ કરી લેશે. સરકારની વ્યાપક યોજનાઓના પરિણામે વર્ષ ૨૦૧૪માં દેશમાં માત્ર ૨૯ કરોડ નાગરિકો સામાજિક સુરક્ષાના કવરેજ હેઠળ હતા, જે આંકડો આજે વધીને ૧૦૧ કરોડ નાગરિકો સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ૧ લાખ કરોડ રૂપિયાના બજેટ સાથે ઉદ્યોગો, શ્રમિકો અને પ્રથમ વખત ખાનગી ક્ષેત્રમાં જોડાતા યુવાનોને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય દર મહિને ૧૦ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ ડૉ. ચંદ્ર ભૂષણ કુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં લેબર કોડ લાગુ થયાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના અમલીકરણ, નિયમોની સૂચના, અધિકારીઓની ક્ષમતા નિર્માણ અને તાલીમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.








