અમદાવાદ, 24 નવેમેબર, 2026 : The closing ceremony of the third All India Police Badminton Cluster 2026-27 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આયોજિત ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ના સમાપન સમારંભમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓ આજે ખુદ અહીં ખેલાડી તરીકે રમતા નજરે પડ્યા, એ જોઈને આનંદ થાય છે. વડાપ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના લક્ષ્યને આપ સૌએ મળીને અહીં સાકાર કર્યું છે, એમ કહીને તેમણે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલ ‘ખેલ મહાકુંભ’થી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થયું છે. તેમના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાત આજે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સના આયોજનનું હબ બની રહ્યું છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાત ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને રમતગમતનો સંબંધ માત્ર શારીરિક ક્ષમતાનિર્માણ પૂરતો જ સીમિત નથી, પરંતુ તેનાથી માનસિક મજબૂતાઈ, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ પણ વિકસિત થાય છે. વર્દી પહેરીને સમાજની સુરક્ષા કરવી અને રમતના મેદાનમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું—આ બંને જવાબદારીઓ ગૌરવપૂર્ણ છે. તમે આ બન્ને જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છો, એમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ૨૫૧થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. નારીશક્તિ પોલીસ દળ અને રમતગમત જગત બન્ને ક્ષેત્રોમાં આગળ છે, તેનું આ એક બહુ મોટું ઉદાહરણ છે. ગુજરાતના ડી.જી.પી. શ્રી મલિક પોતે પણ આ સ્પર્ધામાં એક ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા અને સૌના માટે પ્રેરણા બન્યા, તેનું ગૌરવ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને પહેલીવાર આ રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનનો અવસર મળ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી ચૂક્યું છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના આભારી છીએ.
મુખ્યમંત્રીએ ટૂર્નામેન્ટના સમાપનની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે ફ્લેગ હેન્ડિંગ સેરેમની કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગુજરાતને પ્રથમ વખત આ રાષ્ટ્રીય પ્રતિયોગિતાની યજમાની મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ૧૦ કેન્દ્રીય પોલીસ સંગઠનો, ૨૪ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો મળીને દેશભરની કુલ ૩૮ ટીમોના ૧,૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ ૨૫% મહિલા ખેલાડીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી એ પોલીસ દળમાં વધતા મહિલા સશક્તિકરણ અને રમતગમત પ્રત્યેના લગાવનું પ્રતીક છે.
ઇન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર રાજીવ આહિરે ઑલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડના ચેરમેન મહેશ દીક્ષિતનું પ્રાસંગિક ઉદ્બોધન વાંચી સંભળાવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) પીયૂષ પટેલે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ સ્પર્ધાની રૂપરેખા આપીને પરિણામ સહિતની વિગતો રજૂ કરી હતી. આઇજી એડમિન સુશ્રી ગગનદીપ ગંભીરે આભારવિધિ કરી હતી.








