નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન અભિષેક શર્મા આઈસીસીની તાજી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ઈતિહાસ રચી દીધો છે. અભિષેક માત્ર નંબર 1 પોઝિશન પર જ કાયમ નથી પરંતુ હવે તે 900 રેટિંગ પોઈન્ટ્સ પાર કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. હાલ અભિષેકના રેટિંગ પોઈન્ટ 907 છે. ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી ભારત તરફથી સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવવાનો રેકોર્ડ સુર્યકુમાર યાદવના નામે છે, જેણે 912 સુધીના પોઈન્ટ્સ મેળવ્યા હતા. વિરાટ કોહલીએ 909 રેટિંગ પોઈન્ટ્સ સુધી પહોંચ્યો હતો અને હવે અભિષેક 907 પોઈન્ટ્સ સાથે તેમની નજીક પહોંચ્યો છે. એશિયા કપમાં બાકી રહેલી મેચોમાં જો અભિષેક બે-ત્રણ મોટી ઈનિંગ્સ રમે તો તેઓ સહેલાઈથી નંબર 1 બની શકે છે.
અભિષેક શર્મા હવે આઈસીસીની ટી20 રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવનારા ભારતીય ડાબોડી બેટ્સમેન બની ગયા છે. જો તેઓ 13 પોઈન્ટ્સ વધુ મેળવશે તો દુનિયાના ટી20 ઈતિહાસમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારા બેટ્સમેન બની જશે. હાલ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના ડેવિડ મલાનના નામે છે જેમણે વર્ષ 2020માં 919 પોઈન્ટ્સ મેળવ્યા હતા. એશિયા કપમાં અભિષેક શર્મા અદ્ભુત ફોર્મમાં છે. તેમણે અત્યાર સુધી 4 મેચમાં સૌથી વધુ 173 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 208થી વધુ છે. તેમણે અત્યાર સુધી 12 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા છે. આ ધમાકેદાર ફોર્મ જાળવી રાખશે તો તેઓ ઈતિહાસ રચતા રોકાવાના નથી.
ટી20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા હાલ વિશ્વમાં નંબર 1 પર છે. બેટિંગમાં અભિષેક શર્મા ટોચ પર છે, જ્યારે તિલક વર્મા ત્રીજા ક્રમે છે. બોલિંગમાં ચક્રવર્તી નંબર 1 છે અને ઓલરાઉન્ડર્સ કેટેગરીમાં હાર્દિક પંડ્યા ટોચ પર છે.


