ગાંધીનગર, 21 એપ્રિલ 2026: Orders all schools to reduce dropout ratio ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકો અધૂરું શિક્ષણ છોડી રહ્યા હોવાથી ડ્રોપ આઉટ રેશિયે વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપ-આઉટ ઘટાડવા અને અપાર આઈડી બનાવવા સમયમર્યાદા નક્કી કરતાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ કચેરીએ 2026-2027 ના શૈક્ષણિક વર્ષ માટે ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને 4 મે 2026 સુધીમાં દરેક વિદ્યાર્થીના 100 ટકા APAAR ID જનરેશનની કામગીરી પૂર્ણ કરવા તમામ શાળાઓને આદેશ આપ્યો છે.
ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સૂચના આપવામાં આવી છે. કે, કોઈ પણ બાળક શિક્ષણ પ્રણાલીની બહાર ન રહી જાય તે માટે એક ધોરણમાંથી બીજા ધોરણમાં થતા સ્થળાંતર પર નજર રાખવામાં આવે. આ કામગીરી પૂર્ણ કરવામાં નિષ્કાળજી રાખનાર શાળાઓની ગ્રાન્ટ રદ્દ થઈ શકે છે.
સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-2027 માટે ડ્રોપ-આઉટ દર ઘટાડવા અને 100 ટકા APAAR ID જનરેશન માટે અત્યંત તાકીદની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. RTE-2009 અને NEP-2020 મુજબ 6 થી 19 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે. આ માટે બાલવાટિકાથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓનું સતત ટ્રેકિંગ કરવાનું રહેશે, ખાસ કરીને ધોરણ 5, 8 અને 10 પછીના પ્રવેશ પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે.
જિલ્લાના ચાર તાલુકાના બધા જ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં નામાંકિત કરવાનો લક્ષ્યાંક છે. સાથે જ, “વન નેશન, વન સ્ટુડન્ટ આઈડી હેઠળ દરેક વિદ્યાર્થીનું આધાર-વેરિફાઈડ APAAR ID બનાવવું ફરજિયાત છે. આ તમામ કામગીરી 4 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આમાં નિષ્કાળજી દાખવનાર શાળાની ગ્રાન્ટ અથવા માન્યતા રદ થઈ શકે છે, જેની જવાબદારી આચાર્યની રહેશે.
આધાર આઈડી એટલે કે ‘’ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી’’ એ ભારત સરકારની ‘’વન નેશન, વન સ્ટુડન્ટ આઈડી’’ યોજનાનો મુખ્ય ભાગ છે. આ એક 12 અંકનો વિશિષ્ટ ઓળખ નંબર છે જે વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કાયમી રહે છે અને તેના આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય છે. આ આઈડી વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક રેકોર્ડ્સ, જેમ કે માર્કશીટ, ડિગ્રી અને ઈતર પ્રવૃત્તિઓના પ્રમાણપત્રોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખે છે. તે ‘’એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ’’ સાથે જોડાયેલ હોવાથી વિદ્યાર્થીના ક્રેડિટ્સ આપ મેળે જમા થાય છે, જે ઉચ્ચ શિક્ષણ કે શાળા બદલતી વખતે દસ્તાવેજોની ચકાસણીને અત્યંત સરળ બનાવે છે.


