જામનગર, 27 એપ્રિલ 2026: Girl dies after speeding car hits bike શહેરના કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી એક લાલ કલરની કારે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર દંપતી અને તેમની 5 વર્ષની પુત્રી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતના બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ દ્વારા પતિ-પત્ની અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાલાવડ નાકા બહાર રહેતા ઇઝરાયેલ ઈકબાલભાઈ સમા પોતાના પત્ની રુકસારબેન સમા અને 5 વર્ષની પુત્રી હબિરા સમા સાથે પોતાના બાઈક પર કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે રાત્રે પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક લાલ કલરની કારના ચાલકે બાઈકને અડફેટેમાં લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારની ગતિને કારણે ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકનું પડીકું વળી ગયું હતું. અકસ્માત બાદ કારમાં પણ ભારે નુકસાની જોવા મળી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
અકસ્માતની ગંભીરતાને જોતા તાત્કાલિક ઈજાગ્રસ્ત પતિ-પત્ની અને બાળકીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા 5 વર્ષની હબિરા સમાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ઈઝરાયેલભાઈ અને રુકસારબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની જાણ થતાની સાથે જ સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતના દૃશ્યો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કારચાલકની બેદરકારીને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

