Homeગુજરાતીગુજરાતઅમદાવાદ - મહેસાણા હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકચાલક યુવાનું મોત

અમદાવાદ – મહેસાણા હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકચાલક યુવાનું મોત

કલોલ, 25 સપ્ટેમ્બર, 2026 :  Hit and run on Ahmedabad-Mehsana highway અમદાવાદ-મહેસાણા હાઈવે પર સઈજ બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. હીટ એન્ડ રનના આ બનાવમાં કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યું છે. બાઈકચાલક મૃતક યુવાન ગિફ્ટ સિટી ખાતે મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. કલોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર સઈજ બ્રિજ ચઢતી વખતે કોઈ અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યું હતુ. મૃતક બાઈકચાલક યુવાન ભાવિક પંચાલ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.  નોકરી પૂરી કરીને બાઇક પર ઘરે પરત ફરી રહેલા યુવકને અજાણ્યા વાહનચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો.

કલોલ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કડીના દેત્રોજ રોડ પર આવેલી મંગલમ સોસાયટી નજીક રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા મુકેશભાઈ પંચાલનો મોટો પુત્ર ભાવિક છેલ્લા દોઢ વર્ષથી ગિફ્ટ સિટીમાં નોકરી કરતો હતો. 23 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ભાવિક પોતાની બાઇક લઈને નોકરી પરથી કડી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન હાઇવે પર સઈજ બ્રિજ ચઢતી વખતે અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ભાવિકની બાઇકને પાછળથી ઠોકર મારી હતી. ટક્કર વાગતાં જ ભાવિક રોડ પર ફેંકાઈ ગયો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં અને સાથળનો ભાગ ચિરાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કલોલ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હોસ્પિટલ પહોંચેલા પરિવારે પુત્રનો લોહીલુહાણ મૃતદેહ જોતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular