Homeગુજરાતીગુજરાતસુરતના સાલાસર માર્કેટના 5માં માળે લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો

સુરતના સાલાસર માર્કેટના 5માં માળે લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો

સુરત, 17 સપ્ટેમ્બર, 2026 : Massive fire on the 5th floor of Salasar Market  શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા સારોલી વિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે આવેલી દુકાનોમાં બપોરના 11.30 વાગ્યાના ટાણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે સમગ્ર માર્કેટ અને આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને સતત પાણીનો મારો ચલાવીને ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સારોલી વિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે બપોરના 11.30 આસપાસના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. અને જોતજોતામાં આગ પાંચમા માળે આવેલી અંદાજે ચાર જેટલી દુકાનોમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. દુકાનોમાં ફેબ્રિકેટ કાપડ તેમજ પોલિએસ્ટર સહિતના કાપડનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા, જેને લીધે આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

આ બનાવની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતાં જ સુરત ફાયર બ્રિગેડના 15થી વધુ ફાયર ફાઈટરો અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક હોઝ પાઈપો પાથરીને ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. કાપડનો જથ્થો વધુ હોવાથી આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ વેપારીઓને લાખો રૂપિયાનું કાપડ બળીને ખાક થઈ જતાં મોટા પાયે આર્થિક નુકસાન થવાની આશંકા છે.

કાપડના વેપારીઓના કહેવા મુજબ સાલાસર માર્કેટના ૫માં માળે આવેલી દુકાન નંબર ૫૦૪૪માં પ્રથમ આગ લાગી હતી. શરૂઆતમાં માર્કેટના લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે જોતજોતામાં વિકરાળ અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બહારથી સ્થિતિ સામાન્ય લાગતી હોવા છતાં અંદરની સ્થિતિ અત્યંત ગંભીર હતી. ૫મા માળની લગભગ 4થી 5 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગઈ છે અને તેમાં રહેલો મોટો જથ્થો બળી જવાથી ભારે આર્થિક નુકસાન થયું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular