અમદાવાદ, 14 જુન, 2026 : Meeting between Railway DRM and Municipal office bearers શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ તથા રેલવેના ઓવરબ્રિજ- અંડરબ્રિજ સહિતના વિકાસના કામોની સમીક્ષા કરવા માટે આજે અમદાવાદ રેલવે ડિવિઝનના ડીઆરએમ સાથે એએમસીના પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ અને અંડર બ્રિજના કામો ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિના પદાધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી. તેમજ કાળુપુર રેલવે સ્ટેશનની કામગીરીમાં કેટલી પ્રગતિ થઈ છે તેની મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા અમદાવાદ DRM (ડિવિઝનલ રેલવે મેનેજર) અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો પણ સંકળાયેલા હોય છે. રેલવે અને અન્ય વિભાગો વચ્ચે કામગીરી બાબતે સંકલન યોગ્ય રીતે ન થતું હોવાથી ધીમી ગતિએ કામ ચાલતુ હોવાના પગલે કામો ઝડપી થાય તે માટે બેઠકમાં ડીઆરએમ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ પ્રશ્નો મુદ્દે મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને સાંસદ દિનેશ મકવાણા તેમજ ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા રેલવે ડીઆરએમ વેદ પ્રકાશ સાથે બેઠક કરીને કામગીરી માટે રાજકીય નેતાઓની સાથે પણ સંકલન કરવા જણાવ્યું હતું.
અમદાવાદ રેલવે ડિવિઝનના DRM સાથેની મિટિંગમાં વિવિધ પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અસારવા ઓમ નગર રેલવે અંડર પાસ બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી છેલ્લા બે વર્ષથી બાકી છે. જો કે રેલવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરેન્ટ દ્વારા એકબીજા સાથે યોગ્ય રીતે સંકલન ન કરવાના કારણે ટોરેન્ટ પાવરના કેબલ કાઢવા બાબતે કામગીરી મોડી થઈ રહી છે જેને લઇને નેતાઓએ અધિકારીઓને ઝડપી કામગીરી કરવા માટે ટોરેન્ટની સાથે સંકલન કરી છ મહિનામાં કામગીરી પૂરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત મણીનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે. ખૂબ વધારે પ્રમાણમાં ટ્રેનો આવતી હોવાથી વારંવાર ક્રોસિંગ બંધ કરવું પડે છે અને લોકોને ટ્રાફિકમાં ફસાવું પડે છે. જેથી આ સમસ્યાનો હલ લાવવા માટે મણીનગર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાનો છે. જોકે ત્યાં કેટલીક મિલકતો કપાતમાં જાય છે. ત્યારે સ્થાનિકોને મુશ્કેલી ન પડે તેને પ્રમાણે રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન બનાવવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા DRM સાથે ચર્ચા કરવામાં આવી હતી. મિલકતો કપાતમાં ખૂબ ઓછી જાય તે પ્રમાણેની ડિઝાઈન તૈયાર કરીને મંજૂર કરવામાં આવે તે પ્રમાણે વાતચીત થઈ હતી.
શહેરના હેબતપુર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે ઓવરબ્રિજની ડિઝાઇન પણ રેલવે દ્વારા બદલવામાં આવી છે. જેના કારણે મોડું થયું છે. જેથી અગાઉથી યોગ્ય રીતે સંકલન કરીને ડિઝાઇન બનાવવામાં આવે જેથી જે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવો જોઈએ, તે પ્રોજેક્ટ તો સમય પસાર પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા માટે પણ નેતાઓએ અધિકારીઓને ટકોર કરી હતી. મકરબા અને વેજલપુર રેલવે ઓવરબ્રિજ પણ ખૂબ ધીમી ગતિએ બની રહ્યા છે, ત્યારે આવા કામમાં સમયસર રેલવે વિભાગ સંકલન કરીને કામગીરી કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.


