1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત MOU થયા
ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત MOU થયા

ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત MOU થયા

0
Social Share

ગાંઘીનગરઃ ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રીફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોએ બંને પ્રાંત વચ્ચે વિકાસના નવાં દ્વાર ખોલ્યા છે. પીએમ મોદીની પ્રેરણાથી ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજીક વિકાસ માટે શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને કારણે આજે જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધો એક ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઇને વધુ મજબૂત બન્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

જે કરાર સંપન્ન થયા છે તેમાં શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે MOU, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે MOUનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ તેમજ અમદાવાદ અને હમામાત્સુ શહેર (શિઝુઓકા) વચ્ચે મૈત્રી કરાર દ્વારા આજે બંને દેશો વચ્ચે એક નવી સહભાગિતાની યાત્રા શરૂ થઇ છે.

ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે કેટલીક રસપ્રદ સમાનતાઓ વિશે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત અને શિઝૂઓકા પ્રીફેક્ચર બેય ઈનોવેશન, સસ્ટેનેબિલીટી અને પિપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતમાં અરબ સાગરનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે. તેવી જ રીતે, શિઝુઓકા પેસિફિક મહાસાગરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે.

ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉધોગો ધરાવતું રાજ્ય છે. બીજી બાજુ, શિઝુઓકા પ્રોડક્શન સેક્ટર પણ ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિકસ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ સાથો સાથ ‘ઓટો હબ’ બન્યું છે તેમાં જાપાનીઝ કંપનીઓ સૂઝૂકી મોટર્સ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ, મિત્સુબિશી, ટોયોટાનું યોગદાન ખૂબ જ અગત્યનું છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાપાની કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ છે. માંડલમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. જાપાને શરૂઆતમાં પાંચ કંપનીઓ શરૂ કરી હતી આજે ગુજરાતમાં લગભગ 350થી વધુ જાપાનીઝ સંસ્થાઓ તથા કંપનીઓ કાર્યરત છે. તેમણે કહ્યું કે, એક્ટિવ પોલિસી મેકિંગ, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ, રોબસ્ટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી ઓફ લાઈફથી ગુજરાત આજે રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે. ઇમરજિંગ સેક્ટર એવા ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સેમી કંડકટરમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે.

ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચેના આ કરાર એક મજબૂત પાયો છે. આ કરારથી વેપાર, વાણિજ્ય, ટેકનોલોજી, નવીનતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ મળશે. આ કરાર બન્ને દેશોની ક્ષમતાઓ માટે પૂરક બની વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતાની સંભાવનાઓ ઉભી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code