રાજકોટ, 20 એપ્રિલ 2026: One BHK flats are not selling and demand for 2 BHK is high શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગરીબ પરિવારો માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે માત્ર રૂ. 2 લાખનું આવાસ લેવામાં કોઈને ય રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આરએમસીને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા છે. બીજીતરફ LIG તેમજ MIG કેટેગરીનાં 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો છે. આ બંને કેટેગરીના મળી માત્ર 23 આવાસોની સામે અંદાજે 4 હજાર ફોર્મનો ઢગલો થયો છે.
આરએઓમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જુના આવાસોને નવો ઓપ આપીને વેંચવાની યોજનામાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. વર્ષ 2006માં બીએસયુપી (BSUP) યોજના હેઠળ નિર્મિત આ 1057 આવાસોનાં રીનોવેશન બાદ માત્ર રૂ. 2 લાખની નજીવી કિંમતે ઓફર કરવા છતાં લોકોએ તેમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. છેલ્લા બે સપ્તાહથી ચાલતી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યાના આવાસો સામે માત્ર 454 ફોર્મ જ ભરાયા છે, જોકે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 મેં છે. ત્યારે 1057 કરતા વધુ ફોર્મ ભરાય છે કે નહીં તેનાં પર સૌની મીટ મંડાયેલી છે.
આરએમસીની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ આવાસોનું અતિશય જૂનું માળખું માનવામાં આવે છે. પ્રેમમંદિર પાસે અને પોપટપરામાં આવેલા આ આવાસો મૂળભૂત રીતે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર અભિયાન અંતર્ગત વિસ્થાપિતોને વસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જોકે ભૌગોલિક સ્થિતિ સહિતના અગમ્ય કારણોસર તત્કાલીન લાભાર્થીઓએ આ મકાનોમાં રહેવા જવાનું મુનાસિબ માન્યું નહોતું. જેના પરિણામે લાંબા સમય સુધી માનવ વસવાટ વિનાના આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો અને ‘ભૂતિયા બંગલા’ જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના બારી-બારણાં ચોરાઈ ગયા હતા, પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને આખું સ્ટ્રક્ચર જોખમી જણાતું હતું.


