ગાંધીનગર, 10 સપ્ટેમ્બર, 2026 : President Murmuji will visit Gujarat for three days ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આકાર લેવા જઈ રહી છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ’નું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત દેશની રાજધાની નવી દિલ્હીની બહાર, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં યોજાશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૨ સપ્ટેમ્બરે આ ગૌરવવંતા રાષ્ટ્રીય સમારોહની અધ્યક્ષતા દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેકનિશિયનો સહિત વિવિધ કલા-કસબીઓ આ સમારોહમાં સહભાગી થશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની સાથે સાથે રાજ્યના અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ આયોજનો અને તૈયારીઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તમામ જરૂરી વહીવટી અને આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


