- સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસે નામ મગાવાયા
- કિરેન રિજિજુએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં
નવી દિલ્હીઃ વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસેથી નામ માંગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા માટે કામ કર્યું. કોંગ્રેસે ક્યારેય કોઈ SC, ST કાયદા મંત્રી બનાવવાનું વિચાર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબનું નામ લઈને વારંવાર જે પાપ કર્યું છે. તે ભૂલીના શકાય.”
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સંસદના સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બીઆર આંબેડકરનું અપમાન કર્યું હતું. કોંગ્રેસે રાજ્યસભામાં અમિત શાહ દ્વારા આપવામાં આવેલા ભાષણ માટે માફી માંગવાની વાત કરી હતી, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો બચાવ કર્યો હતો. રિજિજુએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વોટ બેંકની રાજનીતિ માટે આંબેડકરના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જ્યારે વિપક્ષ રાજ્યસભામાં જય ભીમના નારા લગાવે છે.
વિપક્ષના સાંસદોએ બુધવારે અમિત શાહની ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને જય ભીમના નારા લગાવીને હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.