અમદાવાદ, 18 જુન, 2026 : Rain in 63 talukas of Gujarat, 6 inches in Balasinore ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. ત્યારે પ્રિ-મોન્સન એક્ટિવિટીને લીધે ગત રાત્રે 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બાલાસિનોર તાલુકામાં 6 ઈંચ પડ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. રાજ્યભરમાં વરસાદી વાતાવરણથી ગરમીમાં ઘટાડો થયો છે. આજે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં 15 તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગત રાત્રે રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ રાત્રે વરસાદના સામાન્ય છાંટણા પડ્યા હતા. બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે. હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદના બોરસદ અને પેટલાદ પંથકમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ આસપાસ પણ વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના ગોંડલ અને આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે.


