ગાંધીનગર, 18 જુન, 2026 : 15 schools from Gujarat shine in the Clean School Competition વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP-૨૦૨૦ના સફળ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “Swachh Evam Harit Vidyalaya Rating – SHVR ૨૦૨૫-૨૬” કાર્યક્રમ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની ૧૫ શાળાઓની રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રમાણપત્ર માટે આખરી પસંદગી કરવામાં આવી છે. આ વિજેતા શાળાઓમાં રાજકોટની ત્રણ, વડોદરાની બે, નવસારીની બે, પોરબંદરની બે તેમજ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ અને મહેસાણાની એક-એક શાળાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલી આ ૧૫ શાળાઓને ભારત સરકાર તરફથી વિશેષ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં ગ્રીન અને સસ્ટેનેબલ-ટકાઉ પ્રવૃત્તિઓની અમલવારી સતત ચાલુ રહે અને ભવિષ્યના પ્રયાસો જળવાઈ રહે તે હેતુથી પ્રત્યેક શાળાને રૂપિયા ૧ લાખનું વિશેષ ફંડ પણ નેશનલ લેવલથી એનાયત કરવામાં આવશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. રણજીત કુમારે જણાવ્યું હતું.
વધુ માહિતી આપતા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. રણજીત કુમારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. NEP-૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શાળાઓમાં વ્યવહારિક પરિવર્તન, પર્યાવરણીય સ્થિરતા તથા ક્લાયમેટ રેઝિલિયન્સ લાવવાના ઉદ્દેશ્ય સાથે શાળાઓનું આ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શાળાઓમાં પાણી, શૌચાલય, સાબુથી હાથ ધોવા -હેન્ડવોશ, સંચાલન અને જાળવણી ઓપરેશન – મેન્ટેનન્સ, વર્તન પરિવર્તન તથા સશક્તીકરણ – બિહેવિયર ચેન્જ – કેપેસિટી બિલ્ડિંગ તેમજ ‘મિશન લાઈફ’ અંતર્ગત ઊર્જા સંરક્ષણ એનર્જી કન્ઝર્વેશન, રિસાયકલિંગ અને ઈકો-ક્લબ જેવી પ્રવૃત્તિઓના માપદંડોના આધારે શાળાઓની ચકાસણી કરવામાં આવી હતી.
રણજીત કુમારે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને કુલ ૪૪ હજારથી વધુ શાળાઓએ રેકોર્ડબ્રેક અને સફળ રજિસ્ટ્રેશન કરીને સ્વ-મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકન પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૭ અન્ય સભ્યો અને ૧ સભ્ય સચિવ મળી કુલ ૯ સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ ૧૪ અન્ય સભ્યો અને ૧ સભ્ય સચિવ મળી કુલ ૧૬ સભ્યોની કમિટી દ્વારા ઝીણવટભર્યું ક્રોસ વેરિફિકેશન કરાયું હતું.
નિયમો અને માપદંડો અનુસાર થયેલા ક્રોસ વેરિફિકેશનના અંતે જિલ્લા કક્ષાએથી કુલ ૨૬૨ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય કક્ષાએ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરીને કુલ ૨૦ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ૧૫ શાળાઓને રાષ્ટ્રીય સ્તરે પ્રમાણપત્ર માટે આખરી પસંદગી કરવામાં આવી હતી.


