રાજપીપળા, 14 જુલાઈ, 2026 : Rationed food grains now being distributed via mobile app આદિવાસી વસતી ધરાવતા નર્મદા જિલ્લામાં લોકોને રેશનીંગનું અનાજ સરળતાથી મળી રહે તે માટે હવે સસ્તા અનાજની દુકાનો પરથી મોબાઈલ એપ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવશે. જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને લાભાર્થીલક્ષી બનાવવા માટે સીબીડીસી (CBDC) પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી રેશનકાર્ડ ધારકોને તેમના હક મુજબનું સંપૂર્ણ અનાજ મળી રહેશે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને શહેરોમાં રેશનકાર્ડ ગ્રાહકો દ્વારા દુકાનદારો પૂરતું અનાજ ન આપતા હોવાની અને કટકી કરતા હોવાની ફરિયાદો મળતી હતી. લાભાર્થીઓને કેટલું અનાજ મળ્યું તેની જાણ પણ થતી ન હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગ દ્વારા આ નવી એપ આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ, લાભાર્થીઓને રેશન લેવા માટે દુકાન પર લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની કે થમ્બ વેરિફિકેશન માટે રાહ જોવાની જરૂરિયાત રહેશે નહીં. પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે, જેનાથી સમયની બચત થશે અને સેવાઓ વધુ અસરકારક રીતે મળી શકશે. લાભાર્થીઓ પોતાના મોબાઇલમાં જ જોઈ શકશે કે તેમને દર મહિને કેટલું અનાજ મળવા પાત્ર છે અને કેટલું અનાજ આપવામાં આવ્યું છે.
તાલુકાના અધિકારીઓ દ્વારા આ યોજવાને સફળ બનાવવા માટે ગામેગામ જઈને ગ્રાહકોને આ એપ ડાઉનલોડ કરાવીને અને તેનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આ એપ દ્વારા રેશનકાર્ડ ગ્રાહકો ખુશ થયા છે, કારણ કે હવે તેમને મળતા અનાજની સંપૂર્ણ જાણકારી મળી રહી છે. લોકો સરકારના આ અભિગમને બિરદાવી રહ્યા છે.


