Homeગુજરાતીગુજરાતકચ્છની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માટે 45 જ્ઞાન સહાયકોની ભરતી

કચ્છની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માટે 45 જ્ઞાન સહાયકોની ભરતી

ભૂજ, 19 ઓગસ્ટ, 2026 : Recruitment of 45 ‘Gyan Sahayaks’ for English in Kutch’s primary schools.  કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવી શકે તે માટે 45 જ્ઞાન સહાયકોની ખાસ ભરતી કરવામાં આવી છે. આ જ્ઞાન સહાયકો અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે શાળાઓમાં સેવાઓ આપશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહેકમની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના આ વિશેષ ભરતી પ્રકિયા  હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી એવી પ્રાથમિક શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યાં અંગ્રેજી ભાષા માટે અલગ શિક્ષકની ઉપલબ્ધતા ન હતી. આ નવી નિમણૂકોથી આવી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાથી જ યોગ્ય માર્ગદર્શન મળવાથી તેમના વાંચન, લેખન, ઉચ્ચારણ અને સંવાદ કૌશલ્યમાં સુધારો લાવી શકાય છે. આ જ હેતુસર આ વિશેષ ભરતી કરવામાં આવી છે. નવનિયુક્ત જ્ઞાન સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક મેળવનારા શિક્ષકો હવે તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અંગ્રેજી ભાષાનું શિક્ષણ પૂરું પાડશે.

આ 45 જ્ઞાન સહાયકોની નિમણૂકથી મોટી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની અછત દૂર થશે. આનાથી વિદ્યાર્થીઓમાં ભાષા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધવાની સાથે જિલ્લાના શૈક્ષણિક વાતાવરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવવાની અપેક્ષા છે, જે પ્રાથમિક શિક્ષણના પાયાને વધુ મજબૂત બનાવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular