1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ઉધનામાં જમવા બાબતે ઝઘડો થતાં પૂત્રએ માતાની હત્યા કરી
સુરતના ઉધનામાં જમવા બાબતે ઝઘડો થતાં પૂત્રએ માતાની હત્યા કરી

સુરતના ઉધનામાં જમવા બાબતે ઝઘડો થતાં પૂત્રએ માતાની હત્યા કરી

0
Social Share

સુરત, 21 એપ્રિલ 2026: Son kills mother over food dispute  શહેરના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ જમવા બાબતે ઝગડો થતા પોતાની વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સરતના ઉધના વિસ્તારમાં આવેલા હેડગેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં હર્ષદભાઈ વાણિયા પરિવાર સાથે રહે છે, રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં હર્ષદભાઈના પૂત્ર મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે “તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું?” આ નાની એવી વાત જોતજોતામાં હિંસક બની ગઈ હતી. આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે મેહુલ તેના વૃદ્ધ પિતાનું ગળું દબાવવા લાગ્યો હતો. પિતાને તરફડતા જોઈને 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડ્યા હતા. પુત્રનો ગુસ્સો એટલો સાતમા આસમાને હતો કે તેણે પોતાની સગી માતા સાથે પણ ઝપાઝપી કરી હતી. મેહુલે પ્રતીક્ષાબેનને એટલા જોરથી ધક્કો માર્યો કે તેઓ છાતીના ભાગે નીચે પટકાયા હતા. જમીન પર પટકાતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ પેરામેડિકલ સ્ટાફે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પ્રતીક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ (ઉંમર 33 વર્ષ) વિરુદ્ધ પોતાની જ માતાની હત્યાનો ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ આવેશમાં આવીને કરેલા આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code